મેરઠ હત્યાકાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન

દરેક માતા-પિતાએ પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ જેથી સમાજમાં આવા ગુનાઓ ન બને.
(એજન્સી)મેરઠ, બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજકાલ ભારતમાં વાદળી ડ્રમ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે અને ઘણા પતિઓ આઘાતમાં છે.
ભગવાનનો આભાર કે હું પરણિત નથી. મેરઠના આ ભયાનક હત્યા કેસમાં, મુસ્કાન રસ્તોગી નામની મહિલાએ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી દીધી હતી.
હત્યા પછી, મૃતદેહના ૧૫ ટુકડા કરવામાં આવ્યા હતા અને પ્લાસ્ટિકના ડ્રમમાં નાખીને સિમેન્ટથી ભરી દેવામાં આવ્યો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
આ જઘન્ય હત્યાકાંડ પર પોતાની પ્રતિક્રિયા આપતા બાગેશ્વર બાબાએ કહ્યું કે, મેરઠમાં થયેલો આ હત્યાકાંડ અત્યંત નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે. વર્તમાન સમયમાં, ઘટતી જતી કુટુંબ વ્યવસ્થા, પશ્ચિમી સંસ્કૃતિના આગમન અને પ્રેમ સંબંધોને કારણે, પરિણીત પુરુષો અને સ્ત્રીઓ તેમના પરિવારોને છૂટાછેડા આપવા અથવા તેમને નષ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
જેમનો પણ દીકરો કે દીકરી આવું કરી રહ્યો છે, તે વાલીપણાની ઉણપ દર્શાવે છે. ભારતીયોએ પોતાના પરિવારોને સંસ્કારી બનાવવા માટે શ્રી રામચરિતમાનસ ની મદદ લેવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, જો ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાંથી પ્રેરણા લેવામાં આવે તો આવી ઘટનાઓને રોકી શકાય છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ જેથી સમાજમાં આવા ગુનાઓ ન બને.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુસ્કાન અને સાહિલ ડ્રગ્સના વ્યસની હતા અને તેમને ડર હતો કે, સૌરભ તેમના વ્યસનને રોકી શકે છે. સૌરભ તેની ૬ વર્ષની પુત્રીના જન્મદિવસ માટે ભારત આવ્યો હતો, પરંતુ તેની પત્ની અને તેના પ્રેમીએ તેની હત્યા કરી દીધી હતી.
હત્યા બાદ, મુસ્કાને તેના માતાપિતા સમક્ષ ગુનો કબૂલ કર્યો, ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને મેરઠ જેલમાં મોકલી દીધા છે.