મેટ્રો 10 થી 10 મિનિટના અંતરે દિવાળીની રજાઓમાં દોડાવાશે
અમદાવાદ, અમદાવાદના સંપૂર્ણ રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થયાને બે સપ્તાહ પૂરા થયા છે. આ બે સપ્તાહમાં કુલ ૫.૦૫ લાખ મેટ્રોમાં મુસાફરી કરી છે અને જેનાથી રૂપિયા ૮૨.૫૬ લાખની આવક થઈ છે.
મેટ્રોમાં ત્રણ બોગી જોડવામાં આવી છે, જે અંદરથી ક્નેક્ટેડ છે. પરંતુ દિવાળીની રજાઓમાં ડબ્બા નહીં વધારાય પણ દિવાળીની રજાઓમાં મુસાફરોની સંખ્યા વધશે તો હાલની ૩૦ મિનિટના સ્થાને ૧૦ થી ૧૫ મિનિટના અંતરે મેટ્રો દોડાવવા વિચારણા કરાઈ રહી છે.
હાલમાં થલતેજથી પીવીઆર સિનેમાથી વસ્ત્રાલનો રૂટ તેમજ એપીએમસી થી મોટેરા સ્ટેડિયમનો રૂટ બંને રૂટ ઉપર મુસાફરોની સંખ્યા વધી રહી છે. જેને કારણે એએમટીએસ બસમાં મુસાફરોની સંખ્યા ઘટી રહી છે. મેટ્રોના ઘણાં સ્ટેશનો પર હજુ લિફ્ટ તેમજ અન્ય કામો ચાલી રહયા છે. આ ઉપરાંત કેટલાંક મેટ્રો સ્ટેશન પર ઓટોમેટીક ગેટ સીસ્ટમ પણ હજુ ચાલુ થઈ નથી.
અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી થલતેજની મેટ્રોમાં બીજી ઓકટોબરથી જ્યારે એપીએમસીથી મોટેરા સ્ટેડિયમની ૬ ઓકટોબરથી પ્રારંભ થયો હતો. જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજના રૂટમાંથી સૌથી વધુ ૩,૭૫,૭૨૨ મુસાફરો દ્વારા છેલ્લા બે સપ્તાહમાં મુસાફરી કરવામાં આવી છે.
આ રૂટથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને કુલ રૂપિયા ૬૫.૦૯ લાખની આવક થઈ છે. બીજી તરફ એપીએમસીથી મોટેરા સ્ટેડિયમની મેટ્રોમાં કુલ મુસાફરો ૧,૧૯,૩૩૯ નોંધાયા છે. આ રૂટથી કુલ રૂપિયા ૧૭.૫૫ લાખની આવક થઈ છે. સૌથી વધુ ૯૨૪૯૩ મુસાફરો ૯ ઓક્ટોબરે નોંધાયા હતા. મેટ્રો ટ્રેનમાં એક સાથે ૧ હજાર મુસાફરો બેસી શકતા હોય છે.