Western Times News

Gujarati News

વિદ્યાર્થીને ચપ્પુ મારી હત્યા કરી પોલીસ કર્મચારી પંજાબ ભાગ્યો પણ આ ભૂલને કારણે ઝડપાયો

પોલીસ કર્મચારીએ માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા કરી હતી-હત્યારો સરખેજ પોલીસ સ્ટેશનનો કર્મચારી -હત્યા કરનાર આરોપી પંજાબથી ઝડપાયો

આ ઘટના અંગે મળતા સમાચાર મુજબ આ યુવકની હત્યા કરનારો એક પોલીસ કમર્ચારી નીકળ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાએ આ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા પંજાબ ભાગી ગયો હતો. કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે.

(એજન્સી)અમદાવાદ, શેલાની માઇકા ઈન્સ્ટિટ્યુટમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના ૨૪ કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાનો મોટો ખુલાસો થયો છે.

સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઝડપી પાડ્યો છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી જેની આસપાસ એક કિલોમીટરમાં કોઇપણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

ક્રાઈમ બ્રાન્ચ ડીસીપીના જણાવ્યા અનુસાર, આરોપી પોલીસકર્મી છે. કયા કારણથી આ થયું તે તપાસનો વિષય છે. આરોપી કસ્ટડીમાં આવશે ત્યારે તેની પૂછપરછ બાદ ખુલાસો થશે. આરોપી ક્યાં છે તેના ઈનપુટ મળ્યા હતા અને બાતમીદારો તેને ઓળખી કઢ્યો હતો. બાદમાં તેની ખરાઈ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લેવાયો છે. અદાવત રાખીને કે કોઈને સાથે મળી હત્યા કરી હોય તેવું જણાતું નથી.

ઉત્તર પ્રદેશના મેરઠના વતની ૨૩ વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો.

આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી.

જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે તેને એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.