અમદાવાદ મ્યુનિ. શાળાના મધ્યાહન ભોજનમાં પણ પૂર્વ-પશ્ચિમનો ભેદભાવ

File Photo
બજેટ ચર્ચા દરમ્યાન કોંગ્રેસના આક્ષેપ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ માટે ૨૪ ફેબ્રુઆરી થી બે દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ છે. બજેટ સત્રના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે સ્કૂલ બોર્ડ બજેટ પર ચર્ચા દરમિયાન સ્કૂલના બાળકોને આપવામાં આવતા ભોજનમાં ભેદભાવ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે સ્કૂલ બોર્ડની ચર્ચા દરમ્યાન આક્રમક રજુઆત કરતા જણાવ્યું હતું કે શહેરના પૂર્વ વિસ્તારના ૧.૨૭ લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ત્રણ દિવસ માત્ર બે વાનગી આપવામાં આવે છે.
જ્યારે પશ્ચિમ વિસ્તારના ૪૩,૦૦૦ વિદ્યાર્થીને છ દિવસ ત્રણેય વાનગીઓ આપવામાં આવે છે. સરકારની મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ ૪૫૦ શાળામાં એન.જી.ઓ. દ્વારા તૈયાર ભોજન પુરૂ પાડવામાં આવે છે.
પૂર્વ વિસ્તારની કુલ ૩૨૯ શાળામાં સને ૨૦૦૬થી સ્ત્રીશક્તિ સંસ્થા દ્વારા ૧.૨૭ લાખ બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે. જ્યારે પશ્ચિમ વિસ્તારની ૧૨૧ શાળામાં સને ૨૦૦૭થી અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ૪૩૦૦૦ બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે. આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ સ્વરૂપે આપવામાં આવે છે.
જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા ૨૯.૨૫ કરોડ થાય છે. જેમાં સ્ત્રીશક્તિ સંસ્થાને ૨૧ કરોડ અને અક્ષયપત્ર સંસ્થાને ૮.૨૫ કરોડ ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટના પેટે આવતા રૂપિયા સંસ્થાને ચૂકવવામાં આવતા હોવા છતાં પણ બાળકોમાં મધ્યાહન ભોજન આપવામાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
અલ્પાહારમાં પણ પૂર્વ વિસ્તારમાં સિંગની સુખડી અને સિંગ ચણા આપે છે. પશ્ચિમ વિસ્તારમાં રોસ્ટેડ મસાલા સીંગ ચણા, સુખડી વગેરે આપવામાં આવે છે. જમવામાં પણ વેજ પુલાવ, જીરા પુલાવ, દાળ ઢોકળી જેવા અલગ અલગ પ્રકારના મેનુ હોય છે, જેમાં ભેદભાવ કરવામાં આવે છે.