રાજસ્થાનના બાડમેરમાં MIG-૨૧ ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયુંઃ બંને પાયલટ શહીદ થયા
મિગ-૨૧થી અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ અકસ્માત સર્જાયા
જયપુર, રાજસ્થાનના બાડમેરમાં એર ફોર્સનું એક મિગ-૨૧ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાયલટ સવાર હતા. તે બંનેનું મોત થઈ ગયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, એરક્રાફ્ટનો કાટમાળ અડધા કિલોમીટર સુધી વિખેરાયો હતો.
આ મિગ વિમાન બાડમેરના ભીમડા ગામમાં ક્રેશ થયું હતું. આગની જ્વાળામાં ઘેરાયેલા એરક્રાફ્ટનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળેથી બે મૃતદેહો મળ્યાની પુષ્ટી કરી છે.
અકસ્માત પહેલા આ એરક્રાફ્ટ ભીમડા ગામની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું. હાલ ક્રેશનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના ગુરુવારની રાત્રે લગભગ ૯ કલાકની આસપાસ બની હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે, આખા વિસ્તારમાં જાેરદાર ધડાકાની સાથે આગની જ્વાળાઓ જાેઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ. જાેકે, પાયલટ સમયસૂચકતા વાપરી અકસ્માત પહેલા એરક્રાફ્ટ વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ ગયો હતો.
બાયતુ એસડીએમ જગદીશ સિંહે જણાવ્યું કે, બાયતુ વિસ્તારમાં સેનાનું એક પ્લેન અકસ્માતનો ભોગ બન્યું છે. ઘટનાસ્થળ પર પોલીસ અને સેનાની ટીમો પહોંચી ચૂકી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગામલોકો પણ એકઠા થઈ ગયા છે. જેમને ત્યાંથી હટાવાઈ રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી સેનાની ટીમે લોકોને હટાવી સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે.
જાન્યુઆરી ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૬ અકસ્માત
– ૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાજસ્થાનના સુરતગઢમાં એક મિગ-૨૧ વિમાન ક્રેશ થયું. જાે કે રાહતની વાત એ રહી કે પાઈલટનો જીવ
બચી ગયો.
– ૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ મિગ-૨૧ બાયસન ક્રેશ થયું.
– ૨૦ મે ૨૦૨૧ના રોજ પંજાબના મોગામાં મિગ-૨૧ ક્રેશ થવાથી પાઈલટ અભિનવ ચૌધરી શહીદ થઈ ગયા.
– ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ બાડમેરમાં એક મિગ-૨૧ બાયસન વિમાન તૂટી પડ્યું. પાઈલટ સુરક્ષિત બચી ગયા.
– ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાજસ્થાનમાં જ ક્રેશ થયેલા મિગ-૨૧ બાયસન વિમાનમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા શહીદ થઈ ગયા હતા.
મિગ-૨૧ એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવતી રહી છે. બાડમેરમાં ગત વર્ષે ટ્રેનિંગ દરમિયાન પણ એક મિગ-૨૧ને અકસ્માત થયો હતો. એ ઘટનામાં સદનસીબે પાયલટ સુરક્ષિત બચી ગયા હતા. તે પહેલા ૨૧ મે, ૨૦૨૧એ પંજાબના મોગામાં મિગ-૨૧ ક્રેશ થયું હતું, તેમાં પાયલટ અભિનવ શહીદ થઈ ગયા હતા. બાગપતના રહેવાસી અભિનવના તેમના મૃત્યુના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.SS1MS