મિલાપ મેવાડાએ આજે એક દેશની આખી ટીમને બેઠી કરી
વડોદરા, ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે ગુજરાતના એક પ્રતિભાશાળી અને અજ્ઞાત ક્રિકેટર વિશે ખુલાસો કર્યો છે. આ ખેલાડીને ક્યારેય ટીમ ઇન્ડિયા માટે રમવાની તક નહોતી મળી, પરંતુ તેમ છતાં આ ખેલાડીએ પોતાના કામથી ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
ઇરફાન પઠાણે એક ગુજરાતી ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, બરોડાની ટીમમાં તેમનો એક સિનિયર ખેલાડી હતો, જેને રણજી ટ્રોફીમાં લગભગ ૭૦ મેચોમાં બહાર બેસવું પડ્યું હતું, પરંતુ હવે તે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો કોચ છે. ઇરફાને તેના સિનિયર ખેલાડીની પ્રશંસા કરતાં કહ્યું કે, વડોદરાનો એક વિકેટકીપર-બેટ્સમેન હતો, જે અમારો સિનિયર હતો. એ ખેલાડીને રણજી ટ્રોફીની લગભગ ૭૦ મેચોમાં બહાર બેસવું પડ્યું હતું.
ગૂગલ કરશો તો જાણવા મળશે કે તેમનું નામ મિલાપ મેવાડા છે. આ ખેલાડીએ ૭૦ મેચોમાં બહાર બેસવું પડ્યું, કારણ કે ત્યારે વડોદરાથી નયન મોંગિયા રમતા હતા. એ સમયે સંદીપ પાટીલ સિલેક્ટર હતા. મિલાપને ઇન્ડિયા તો શું, બરોડા તરફથી પણ નહોતું રમવા મળ્યું.
મિલાપને ૭૦ મેચો સુધી બહાર બેસવું પડ્યું હતું અને જ્યારે કેટલીક મેચોમાં તક મળી તો કરિયર પૂરું થઇ ચૂક્યું હતું. ઇરફાને કહ્યું કે, “હું તમને આ ખેલાડી વિશે એટલા માટે કહી રહ્યો છું કારણ કે આજે આ ખેલાડી અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગ કોચ છે. આ ખૂબ મોટી વાત છે. તેઓ ગુજરાતના વડોદરાથી છે અને અત્યારે અફઘાનિસ્તાનની ટીમની બેટિંગમાં સતત સુધારો લાવવા પર કામ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનની બેટિંગમાં જે સુધારો આવ્યો છે, તેની પાછળ મિલાપનો મોટો હાથ છે. જો કોઈ બીજો ખેલાડી ૭૦ મેચ બહાર બેઠો હોત, તો હાર માની લેત, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની અને મહેનત ન છોડી. જયારે મહેનતનો પરસેવો જમીન પર પડે છે, તો વ્યાજ સહીત પાછો મળે છે.
મિલાપ મેવાડાનો જન્મ વર્ષ ૧૯૭૪માં ગુજરાતના મહેસાણામાં થયો હતો. તેઓ ટેલેન્ટેડ બેટ્સમેન અને વિકેટકીપર હોવા છતાં બરોડાની ટીમમાંથી રમવા માટે ખૂબ રાહ જોવી પડી હતી. જોકે, ૧૯૯૮-૯૯માં તેમણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું, પરંતુ ૬ વર્ષોમાં તેમને માત્ર ૧૧ મેચોમાં જ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેઓ ૨૬ લિસ્ટ-છ મેચો રમ્યા હતા. ત્યારબાદ તેમણે કોચ બનવાનો નિર્ણય લીધો.
મિલાપની કોચિંગમાં જમ્મુ- કાશ્મીર, છત્તીસગઢ અને હૈદરાબાદ જેવી ટીમોએ સારું પ્રદર્શન કર્યું. જેને લઈને અફઘાનિસ્તાનની ટીમે તેમને પોતાના બેટિંગ કોચની જવાબદારી સોંપી. મિલાપના કોચિંગમાં અફઘાનિસ્તાનની બેટીંગમાં જોરદાર સુધાર જોવા મળ્યો છે.
ગત વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવીને અપસેટ સર્જ્યા હતા, જેમાં મિલાપનો મહત્વનો ફાળો રહ્યો હતો.SS1MS