૫૦ રૂપિયાના મોરૈયાનો છંટકાવ અને આવક રૂપિયા ૨૫ હજાર
છે ને અચરજ – વિશ્વની કોઈ કંપની કે બેંક આટલો નફો ન આપી શકે
“અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત મોરૈયાની ખેતીમાં ‘ખીચા’ ( ખીસ્સા) ભરે છે…” સાંભળીને અચરજ જેવું લાગે, પણ સત્ય છે. માનો કે ના માનો આ ચમત્કારથી પણ વિશેષ છે.
ખીચા તો માત્ર ઉદાહરણ છે, પરંતુ નળ સરોવર આસપાસના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના અંતરિયાળ ગામો કે જ્યાં પાણીની સુવિધા ઓછી છે અથવા આ વિસ્તારના ગામો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ગામોના ખેડૂતો આજે મિલેટ પાક તરફ વળ્યા છે, અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે છે.
આ ખેડૂતો મિલેટ પાકને મહત્વ આપી તેમના ખેતરમાં મોરૈયો કે બંટી વાવીને માતબર નફો મેળવતા થયા છે. માત્ર એક વિઘા જમીનમાં ૫૦૦ ગ્રામ એટલે કે માત્ર ૫૦/- રૂપિયાંનો મોરૈયો નાંખી માત્ર ૯૦ દિવસમાં અંદાજે રૂપિયા ૨૫ હજારની આવક મેળવે છે.
સાણંદ તાલુકાના ખીચા ઞામના વતની કાશીરામભાઈ સુરાભાઈ વાઘેલા વર્ષ ૨૦૧૩ થી પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ સાથે મિલેટ પાકો પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શ્રી કાશીરામભાઈ કહે છે કે, નળ સરોવર વિસ્તારના સાણંદ, બાવળા અને વિરમગામના અંતરિયાળ ગામોના ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે તેમના માટે મિલેટ પાક ખુબ ઉપયોગી છે. આ વિસ્તારના ખેડૂતો મિલેટ તરફ વળ્યા છે.
કાશીરામભાઈએ આ ખેડૂતોને તાલીમ આપી અને તેમાંથી પ્રેરણા લઈ આ ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે.આ વિસ્તારના ખેડૂતો ચોમાસું શરૂ થાય એટલે જમીનમાં બે ખેડ કરી ૫૦૦ ગ્રામ મોરૈયો કે બંટી ની છાંટણી (વાવણી) કરી દે છે. એટલે કોઈ ઝંઝટ નહીં..
રાસાયણિક ખાતર કે દવાની જરૂર નહી અને પાણીની પણ જરૂર નહી…, વર્ષ સારું હોય કે ના હોય તો પણ ટુંકી મુદ્તમાં પાકી જાય, સરેરાશ એક વિઘા દીઠ ઉત્પાદન ૧૫ થી ૨૦ મણ નું રહે છે અને વહેલાં ખેતર ખાલી થાય એટલે સમયસર ઘઉ કરવાથી ઘઉનું ઉત્પાદન પણ વધે છે. આમ બેવડો નફો માત્ર મિલેટ પાકને મહત્વ આપવાથી મળે છે.
આત્મા પ્રોજેક્ટ્ના ડાયરેક્ટર શ્રી કે કે પટેલ કહે છે કે, ઓછા પાણી અથવા માત્ર વરસાદ અધારિત ખેતી કરતા ખેડૂતો મિલેટ પાક તરફ વળ્યા છે તે ખુબ આવકારદાયક છે. આ ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે.
શ્રી કાશીરામભાઈ વધુમાં કહે છે કે, ‘અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ની પ્રથમ શરુઆત મેં કરી, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ હાથ ધરાઈ, ત્યારે ૨૦૧૬ માં પ્રાકૃતિક ખેતી નો તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેકટ અંતર્ગત મને એવોર્ડ મળ્યો, અને ત્યારપછી હું ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયો, જેમાં ટાટા નેનો મોટર્સ વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સાણંદ, વિરમગામ, અને બાવળા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું શરું કર્યું.
આ ત્રણ તાલુકામાં ૫૦ ગામોમાં તાલીમ આપવાનું શરું કર્યું.. દરેક ઞામમાં સરેરાશ ૧૦ થી ૧૫ ખેડુતો મારી તાલીમ દ્રારા પ્રાકૃતિક ખેતી કરતા થયા છે…
સાણંદ , બાવળા, અને વિરમગામ તાલુકાના નળસરોવર ની આજુબાજુના ગામોમાં જ્યાં સિંચાઇની સુવિધા નથી એટલે કે વરસાદ આધારિત ખેતી કરે છે તે ખેડુતો મિલેટસ્ એટલે કે મોરૈયો અને બંટી ની ખેતી કરે છે..
આ વિસ્તારના ખેડૂતો કહે છે કે, ‘અમારે ડાંગરની ખેતી કરતા બંટી અને મોરૈયામાં વધારે સારું પડે છે..’ મિલેટસ્ પ્રાકૃતિક રીતે જ તૈયાર થાય છે.
પ્રાકૃતિક ઉત્થાન ફામૅર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોનો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલ મિલેટ્ ખરીદી તેનું પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રોસેસિંગ કરી અને ખેડૂતોને પોતાના પોષણ ક્ષમ ભાવ મળી રહે એ હેતુથી પ્રોસેસિંગ યુનિટ નાખવા જઈ રહ્યા હોવાનું આ ખેડૂતો જણાવે છે…
આલેખન :- હિમાંશુ ઉપાધ્યાય, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ