તા. 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન 7 મહાનગરપાલિકાઓમાં યોજાશે મિલેટ મહોત્સવ

રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે
અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના મહોત્સવના આયોજન અંગે અમદાવાદ મ્યુનિ. કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના સૂચન થકી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને મિલેટ્સ યર જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મિલેટ્સને પ્રોત્સાહન મળે તથા લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ વધે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આગામી તા. 8 અને 9 ફેબ્રુઆરી, 2025ના દિવસોમાં મિલેટ્સ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જામનગર એમ કુલ સાત મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 8મી ફેબ્રુઆરી, 2025, શનિવારના રોજ મિલેટ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પણ ઉપસ્થિતિ રહેશે.
અમદાવાદ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં મિલેટ્સ તથા પ્રાકૃતિક કૃષિની પેદાશોના પ્રદર્શન અને વેચાણ કરતાં 100 જેટલાં સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવનાર છે, સાથે મિલેટ્સની વિવિધ વાનગીઓ પીરસતા 25 જેટલા લાઇવ ફૂડ સ્ટોલ્સ પણ ઊભા કરવાનું આયોજન છે.
મિલેટ્સ મહોત્સવ દરમિયાન મિલેટ પાક અંગે કૃષિ વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં પરિસંવાદો યોજાશે, સાથે સાથે સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિલેટ્સ મહોત્સવમાં લોકોને મિલેટ્સની વિશેષતાઓ અંગે જાણકારી અપાશે તો સાથે સાથે ખેડૂતોને મિલેટ્સ પાક બાબતે માર્ગદર્શન પણ મળી રહે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના મહોત્સવના આયોજન અંગે અમદાવાદ મ્યુનિ. કમિશનર શ્રી એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં સ્થાનિક મોનિટરિંગ અને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી બેઠકમાં મહોત્સવ અંગેની તૈયારીઓ અને આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર, ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર શ્રી જયેશકુમાર ઉપાધ્યાય ઉપરાંત અમદાવાદ જિલ્લાના ખેતી, બાગાયત, આત્મા પ્રોજેક્ટ તથા પ્રાથમિક શિક્ષણ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.