ગુજરાતનાં લાખો પરિવારોને મળશે “પોતાના સપનાનું ઘર”: 1.31 લાખ આવાસોનું ઇ-લોકાર્પણ
‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શનિવારે ૧,૩૧,૪૫૪ આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો જોડાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શનિવાર, તા.૧૦ ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનશ્રી આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ
કરવાના છે.
ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ અને શ્રી ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઇ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના ૧૧૫ ગ્રામીણ મતવિસ્તાર અને ૬૭ શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની સ્વતંત્રતાની શતાબ્દી ૨૦૪૭માં ઉજવાય ત્યાં સુધીમાં અમૃતકાળમાં વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ આપ્યો છે. દેશના તમામ લોકોને પાકું આવાસ પૂરા પાડવાનો પણ ધ્યેય તેમણે રાખ્યો છે.
વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે.આ હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વિકસિત ગુજરાત@૨૦૪૭નો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં પણ લોકોને પોતાના સપનાનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે.
આ દિશામાં આગળ વધતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૧૩.૪૨ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૮.૨૮ લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૫.૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)-પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ ૯.૬૧ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી ૮.૨૮ લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૧ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૬૫,૦૦૦થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ ૫.૯૬ લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ ૩૯૩ આવાસોને મોડેલ-૦૧ અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ‘વર્ષ ૨૦૨૪ સુધીમાં સૌને ઘર’ ની સંકલ્પનાને સાકાર કરવાના ઉમદા લક્ષ્યાંકને સિદ્ધ કરવાના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં માળખાગત સુવિધાઓ સાથે ૫,૧૪,૧૭૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી ૬૨% આવાસો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય DBTના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ ₹૨૦,૦૦૦ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૬૩,૧૦૧ લાભાર્થીઓને ₹૧૨૬.૨૦ કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસાવી છે. આ પરંપરાને વધુ વ્યાપક બનાવતા વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડઝ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની ઉત્કૃષ્ટ કામગીરી માટે મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ ૧૪ જેટલા એવોર્ડ મળ્યા છે.
વર્ષ-૨૦૧૭માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન ,વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે ૩ એવોર્ડ, તેમજ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના ૩ લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ૭ વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ ૧૪ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની આપેલી સંકલ્પનામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત@૨૦૪૭ની દિશા આ આવાસ લોકાર્પણ-ખાતમુહૂર્તથી વધુ વેગવંતી બનશે.