કરોડો વર્ષ પહેલાં ઊડી જાણતું પેંગ્વિન પાંખો ગુમાવીને ડૂબકીબાજ માછીમાર કેમ બન્યું ?
ઉત્તર ગોળાધર્માં હાલ આપણા માટે ઉનાળો શરૂ થવા પર છે, જયારે દક્ષિણ ગોળાર્ધમાં હવે શિયાળો બેસવાને ઝાઝી વાર નથી. એન્ટાર્કટિકા નામે ઓળખાતા. ૧,૪ર,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટરના દક્ષિણ ધ્રુવ ખંડ પર થોડા સપ્તાહો પછી જે રાત ઘેરાય તે મહિનાઓ સુધી પૂરી થાય તેમ નથી. (ઉંઘણશી કુંભકર્ણ માટે કેટલી ઉપયોગી!) શિયાળાની ઠંડીનું તો પૂછવું જ નહિ. શિયાળા દરમ્યાન પવન ફૂંકાતો રહે છે. કોઈ વાર તો જાણે વાવાઝોડું ફુંકાતું હોય તેમ ઝડપ ૧૦૦ કિલોમીટર સુધી પહોંચે છે.
હિમવર્ષા થાય અને ચોમેર કાતિલ ઠંડી પડે એવા વાતાવરણમાં લાખો પેંગ્વિન ટોળાબંધ સાથે રહી સમય પસાર કરે છે. શિયાળામાં ખોરાક તેમને ન મળે, કેમ કે ચારેબાજુ કિનારા પાસેનો સમુદ્ર થીજી ગયો હોય છે. દરિયામાં પાણી જ ન હોય ત્યાં માછીમારી કરવી શી રીતે ? માની શકાય ખરું કે દરેક પેંગ્વિને લગભગ ૧ર૦ દિવસ સુધી એકધારો ભુખમરો વેઠવો પડે છે ? સદનસીબે તેઓ મરી જતાં નથી, આનું કારણ સીધુંસાદું છે. શિયાળો બેસે તે પહેલાં દરેક પેંગ્વિને ખાઉધરાની જેમ પુષ્કળ માલાં આરોગીને શરીરમાં ચરબી એકઠી કરી લીધી હોય છે. શરીર તે ચરબી બાળીને કેલરી મેળવે છે.
પેંગ્વિન બિચારાં પાંખ ધરાવતાં પક્ષીઓ નથી. શિયાળાની હિમવર્ષાથી અને કાતિલ ઠંડીથી બચવા તેઓ યુરોપના ઋતુપ્રવાસી પંખીડાની માફક સમશીતોષણ આબોહવાના ભારત જેવા દેશોમાં સ્થળાંતર કરી શકતાં નથી. પાંખોના અભાવે કોલ્ડ સ્ટોરેજ જેવો શિયાળો જયાંનો ત્યાં જ વીતાવવો પડે છે.
પેંગ્વિનના બહુ દુરના પૂર્વજાે પાંખોવાળા હતા. દક્ષિણ ધ્રુવ પર ત્યારે બરફ છવાયેલો ન હતો. ખરું પુછો તો દક્ષિણ ધ્રુવ ખંડનું અલગ ખંડ તરીકે અસ્તિત્વ જ ન હતું. પેન્જિયા નામનો માત્ર એક જબરદસ્ત ખંડ હતો. આ મહાખંડ પર ગાઢ વર્ષાજંગલો લહેરાતા હતા અને જંગલોમાં ત્યારે ડાયનોસોર પણ હતા. વખત જતાં પેન્જિયા મહાખંડ તુટ્યો અને તેનો બહુ મોટો ટુકડો (આજનો એન્ટાર્કટિકા) લાવા પર સરકીને ધીમે ધીમે દક્ષિણે જતો રહ્યો. દક્ષિણે હવામાન સાવ ઠંડુ, એટલે બરફે જંગલોને ઢાંકી દીધાં. ડાયનોસોર અને બીજા સજીવો પણ મરી પરવાર્યા. ઉડનારા પેગ્વિનોને આવા સંજાેગોમાં ખોરાક મળે ક્યાંથી? ખોરાક જમીન પર મળતો, પણ જમીન પર બરફ સિવાય કશું નહી.
ક્યાં આકાશમાં ઉંચે સુધી ઉડનારા મૂળ પૂર્વજાે અને ક્યાં જળચર બની ગયેલા તેમના વંશજ એટલે કે હાલના પેંગ્વિન! કુદરત પણ કેવા કેવા ખેલ કરે છે ! એક જાણો ને એક ભૂલો એટ એટલા ખેલ છે. સૌથી આશ્ચર્યજનક ખેલ તો એ કે પ્રાચીન અરસાના ડાયનોસોર કાળક્રમે આજના પક્ષી બન્યા, ટૂંકમાં આજનું પક્ષી એટલે ગઈકાલનું ડાયનોસોર !