‘મિનિસ્ટર ઈન વેઇટિંગ’ અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાનું શું થશે?
૧૯૬૦ પછી ભારતનાં રાજકારણમાં એક પ્રશ્ન ઊઠેલો કે નહેરૂ પછી કોણ? ત્યારે સિનિયર કોંગ્રેસી તરીકે લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈને ‘પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઇટિંગ’ તરીકે નવાજવામાં આવતા.
આપણે પી.એમ.ઈન વેઇટિંગ વિશે તો સાંભળ્યું છે પરંતુ સચિવાલયમાં હાલ ચાલતી ચર્ચા પ્રમાણે ગુજરાતમાં અત્યારે મિનિસ્ટર ઈન વેઇટિંગ તરીકે કોંગ્રેસમાંથી ભા.જ.પ.માં આવેલા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયા અને ચતૂરસિંહ જે.ચાવડાને નવાજવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ બન્ને સિનિયર નેતાઓને મંત્રી બનાવવાના વચન સાથે ભા.જ.પ.માં લાવવામાં આવ્યા હતા.પરંતુ કોણ જાણે શું બન્યું કે તેમની મંત્રી તરીકેની સોગંદવિધિ થતી નથી.
અલબત્ત,એવું કહેવાય છે કે જ્યારે (અને જો) ગુજરાતમાં પ્રધાનમંડળનું વીસ્તરણ થશે ત્યારે તેમાં અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાનો સમાવેશ અચૂક કરવામાં આવશે.પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ક્યારે?
એ સૌથી મોટો પ્રશ્ન છે. મોઢવાડિયાને વિધાનસભાની બેઠક દરમિયાન જે માન અપાયું અને ચાવડાને જે સ્થાન અપાયું એ એમને આશ્વાસન આપવા માટે હતું કે ઉજ્જવળ ભવિષ્યનાં સંકેત રુપે હતું? તે નક્કી નથી થઈ શકતું!હાલ આ બન્ને સિનિયર નેતાઓએ હસતું મોઢું રાખીને રહ્યા વગર છૂટકો નથી એ નક્કી છે.
ભા.જ.પ.ના ખેલદિલ અને નિખાલસ ધારાસભ્ય દિનેશ કુશવાહે તેમના મતદારોને ‘સોરી’ કહ્યું.
અમદાવાદનાં બાપુનગર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારસભ્ય દિનેશ કુશવાહે પોતાના મત વિસ્તારમાં સમાવિષ્ટ સરસપુરમાં વસતાં નાગરિકોને ૨૦૨૨ની ચૂંટણી વખતે વચન આપ્યું હતું કે દર ચોમાસામાં આ વિસ્તારમાં ચોતરફ ભરાતાં વરસાદી પાણીનાં પ્રશ્નનો હું ઉકેલીશ.ચૂંટાયા પછી કુશવાહે આ અંગે પ્રયત્ન પણ કર્યા પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ધારાસભ્ય કુશવાહને એવું સમજાવ્યું કે આ વિસ્તાર ઉંધી રકાબી જેવો છે
તેથી આસપાસનાં પાણી અહીં આવે છે.વળી,કોર્પોરેશનના અધિકારીઓએ ધારાસભ્યને એવું પણ ભણાવ્યું કે અહીં અગાઉ તળાવ હતું એટલે અહીં પાણી ભરાઈ જાય છે! કુશવાહે કહ્યું કે રકાબી હોય તો એમાં કાણું પાડો,પણ સમસ્યાનો કાયમી અંત લાવો!પણ વાસ્તવિકતા એ છે કે ધારાસભ્ય દિનેશ કુશવાહ અમદાવાદનાં ભા.જ.પ. શાસિત કોર્પોરેશનમાં પોતાના મત વિસ્તારનું કામ કરાવી શક્યા નહીં!
પરીણામે તાજેતરમાં આવેલા સાડા સાત ઈંચ વરસાદને કારણે સરસપુરમાં ગોઠણ સુધીના પાણી ભરાયાં એટલે લોકોની મદદ કરવા નીકળેલાં ભા.જ.પ.ના આ ખેલદિલ અને નિખાલસ ધારાસભ્ય દિનેશ કુશવાહે જાહેરમાં જનતાની માફી માંગીને સોરી કહ્યું છે!આ ભા.જ.પ.ના પહેલા એવા ધારાસભ્ય છે કે જેઓએ મિથ્યાભિમાન મુકીને લોકોની ક્ષમાયાચના કરી છે.કુશવાહની ખેલદિલીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
પોંડિચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર બન્યા પછી કે.કૈલાસનાથન ગુજરાતની મુલાકાતે
ગુજરાતમાં લગભગ દોઢેક દસકા સુધી બ્યુરોકસીની બાગડોર સંભાળનાર કે.કૈલાસનાથન પોંડિચેરીના લેફ્ટેનન્ટ ગવર્નર બન્યા પછી તરત જ ગુજરાતની મુલાકાતે આવી ગયા.અગાઉ ગુજરાતના એક નિવૃત્ત આઈ.એ.એસ.અધિકારી અને
હવે એક રાજ્યના લેફ્ટેનન્ટ ગવર્નર બની ગયેલાં કે. કૈલાસનાથનની કક્ષા(ઉર્ફે માભા)માં જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું. કે.કે.રાજ્યપાલને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા અને એ પણ તેમનાં સમકક્ષ તરીકે.વળી એક કૌતુક એ પણ જોવા મળ્યું કે સરકારી અમલદારમાંથી રાતોરાત રાજકારણી બની ગયેલાં કે.કૈલાસનાથને એ પરિવર્તન પણ સત્વરે આત્મસાત કરી લીધું છે.
ઝાકમઝોળ અને પ્રસિદ્ધિથી સદાય દૂર રહેતા કૈલાસનાથન આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલાં રહે છે.પોંડિચેરીના લેફ્ટેનન્ટ ગવર્નરના સત્તાવાર એકાઉન્ટ પરથી તેમનાં પળેપળના કાર્યક્રમોની વિગતો આપતા રહે છે.
આ જોઈને તેમની સાથે કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને અધિકારીઓ નવાઈમાં ડૂબી ગયા છે.લાગે છે કે કૈલાસનાથને ગુજરાતી કહેવત ‘જેવો દેશ એવો વેશ’ને અનુસરવાનું નક્કી કર્યું છે.આમેય કૈલાસનાથન એક વિચક્ષણ વ્યક્તિ તો છે જ.
બોલો લ્યો, ગુજરાતના પાંચ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી જ નથી!
ગુજરાતી વહીવટીતંત્રની ખામી એ છે કે તેને ઉઘાડી આંખે અને દિવસનાં અજવાળામાં ય કેટલાક સત્યો દેખાતા નથી.તેનું ‘ઉડીને આંખે વળગે’ એવું ઉદાહરણ એ છે કે ગુજરાતનાં(૧)અરવલ્લી (૨)છોટાઉદેપુર(૩)વલસાડ (૪) ડાંગ અને(૫)ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે.આશ્ર્ચર્યકારક ઘટના તો એ છે કે અરવલ્લી જિલ્લામાં તો જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા છેલ્લા લગભગ નવ-દસ મહિનાથી ખાલી છે!
ગુજરાત સરકારે તાજેતરમાં આઈ.એ.એસ. અધિકારીઓની બદલી બે રાઉન્ડમાં કરી.એ પછી પણ પાછો આઈ.એ.એસ. અધિકારીઓની બદલીનો રાઉન્ડ આવ્યો પણ રાજ્યના પાંચ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીનું કાયમી ધોરણે પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી!આ વહીવટીતંત્રની ઉણપ છે!તેનું કારણ એ છે કે કોઈ પણ જિલ્લામાં કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની જગ્યા પર નિયમિત અધિકારીની નિમણૂક અનિવાર્ય હોય છે.વળી ચોમાસું હોય ત્યારે તો જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરી તો ખાસ જરૂરી બને છે.
તેમ છતાં અરવલ્લી જિલ્લામાં છેલ્લા નવ-દસ માસથી તેમજ છોટા ઉદેપુર,વલસાડ અને ડાંગમાં લાંબા સમયથી જિલ્લા વિકાસ અધિકારીની નિયમિત નિયુક્તિ જ કરવામા આવતી નથી.આ બધાને કારણે જે તે જિલ્લાની જિલ્લા પંચાયતનું વહીવટીતંત્ર કથળી જાય છે. ચાર્જ ધરાવતા અધિકારી પણ રસથી કામ કરતા હોતા નથી!કારણ કે તેઓએ તેમની મૂળ જગ્યાની કામગીરી તો કરવાની હોય જ છે!આ એક ચિંતાનો વિષય છે અને આ વિષય અંગે સરકાર ચિંતા કરે એ ઈચ્છનીય છે.
ગુજરાતનાં ભારતીય જનતા પક્ષમાં ‘ટ્રબલ શૂટર’ની ખોટ વર્તાય છે?
ભારતીય જનતા પક્ષમાં છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત અને વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂકેલા સૌરાષ્ટ્રના એક નિષ્ઠાવાન કાર્યકર્તા સચિવાલયમાં મળી ગયા.
તેમને પૂછ્યું કે ભા.જ.પ.મા અત્યારે જે થોડીઘણી અશિસ્ત પ્રવર્તે છે તેનું કારણ શું?તેઓએ જવાબ આપ્યો કે અમારા પક્ષમાં અત્યારે કોઈ ટ્રબલ શૂટર(પક્ષદુઃખ ભંજક) નથી.તેને કારણે આ સ્થિતિ ઉદ્દભવી છે.સામે પૂછ્યું કે અગાઉ ટ્રબલ શૂટર કોણ હતા?
તો જવાબ મળ્યો પક્ષના મહામંત્રી મોટા ભાગે ટ્રબલ શૂટરની ભૂમિકા ભજવતા જોવા મળે છે. અગાઉ નરેન્દ્ર મોદી,સંજય જોષી અને ભીખુભાઈ દલસાણીયાએ પક્ષમાં આવી ભૂમિકા સુપેરે ભજવી છે.પાછું પૂછ્યું કે શું અત્યારનાં મહામંત્રી રત્નાકર એવી ભૂમિકા ભજવવા અસમર્થ છે?તો એ મિત્ર બોલ્યા કે ‘નો કોમેન્ટસ,પ્લીઝ!’પછી એ બોલ્યાં કે હાલમાં પક્ષમાં ય ઢીલાશ પ્રવર્તે છે.
અત્યારે પક્ષની કોઈ મિટિંગ થાય તો મિટિંગ લેનાર પૂછે છે કે કેટલા અપેક્ષિત હતા અને કેટલા ઉપસ્થિત છે? આ પદ્ધતિ આયોજનની કચાશ સૂચવે છે! હકીકતમાં તો મિટિંગ લેનારે આ માહિતી એડવાન્સમાં મેળવી લેવી જોઈએ.ભા.જ.પ.ની આ પરંપરા છે.આ અગ્રણી કાર્યકર્તાની વાત સાચી માનવી કે નહીં એ વ્યક્તિગત બાબત છે પણ એ સાથે પક્ષમાંની આંતરિક સ્થિતિ અંગે કાર્યકરો શું વિચારે છે એ તો અહીં પ્રતિબિંબિત થાય છે એ નક્કી છે!