અમદાવાદમાં મધ્યસ્થ યંત્રાલય ખાતે બસ બોડી બિલ્ડિંગની કામગીરીનું નિરીક્ષણ કરતા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સઘવી
૫૧ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા એશિયાની સૌથી મોટી એસટીયુ વર્કશોપમાં દર મહિને ૬૫ બસ બોડીનું ઉત્પાદન
(માહિતી) અમદાવાદ, વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યા બાદ રાજયકક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવી ગયા છે. શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્થિત ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ યંત્રાલય ખાતે પહોંચી બસના બોડી બિલ્ડિંગ વર્કનું નિરીક્ષણ કર્યું હતું.
યંત્રાલયની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વાહનવ્યવહાર વિભાગના નવા યુગની બસ એશિયાની આ સૌથી મોટી વર્કશોપમાં બનનાર છે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૧૦૦ દિવસમાં ૯૦૦થી વધુ નવી સ્લીપર અને સેમી લક્ઝરી બસો કાર્યરત કરવાનો પરિવહન વિભાગનો લક્ષ્યાંક છે. ૧૯૫૯થી કાર્યરત આ વર્કશોપ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આ વર્કશોપને અનન્ય ગણાવતા તેમણે ઉમેર્યું કે, દેશના કોઈ પણ રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે ન હોય તેવી સૌથી મોટી આ વર્કશોપ છે. જેના માધ્યમથી દેશના તમામ રાજ્યોની પરિવહન સેવામાં નવી બસોની બાબતમાં ગુજરાત અગ્રેસર બન્યું છે.
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અનુસાર રાજ્યમાં મોડેલ એસ.ટી. બસસ્ટોપની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોને ગુણવત્તાસભર સુવિધા મળે તે માટે સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓના નિર્માણ સહિત વિવિધ પાસાઓ પર દિવસરાત કામગીરી ચાલી રહી છે.
વર્કશોપ અંગે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સહિત આ વિષયમાં રસ ધરાવતા યુવાનો માટે ખાસ વર્કશોપ સ્ટડી ટૂરનું પણ આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.
આશરે ૫૧ એકરમાં ફેલાયેલા આ વર્કશોપ પરિસરમાં વિવિધ ૧૬ વિભાગો આવેલા છે. જ્યાં એસેમ્બ્લી લાઇન સિસ્ટમ મુજબ બસ ઉત્પાદન થાય છે. આ સૌથી મોટા એસટીયુ વર્કશોપમાં દર મહિને ૬૫ બસ બોડી બિલ્ડિંગ કરવામાં આવે છે. મધ્યસ્થ યંત્રાલયમાં કુલ ૪૨૭ લોકોનો સ્કિલડ સ્ટાફ કાર્યરત છે.
મંત્રીશ્રીએ વર્કશોપમાં દિવસરાત કામ કરતા અધિકારી-કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા.
વર્કશોપના સલામતી નિયમોને અનુસરતા શ્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ પહેરી વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ઉત્પાદન કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બસની બોડી બિલ્ડિંગ, વેલ્ડિંગ શોપ, ગ્લાસ શોપ, કોચ શોપ, ઇન્જેક્શન સેક્શન, એન્જિન શોપ સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં યંત્રાલયમાં બસ બોડી બિલ્ડિંગ ઉપરાંત ટાયર ટ્રેડિંગ ઉત્પાદન ૧૦૦૦ યુનિટ પ્રતિ માસ છે. મંત્રીશ્રીની મુલાકાત વેળાએ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ.ગાંધી, નિગમના જનરલ મેનેજર શ્રી સહિત રાજયકક્ષાના એસ.ટી. વિભાગના ત્રણેય સંગઠનના હોદ્દેદારો તથા ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.