હૌથી બળવાખોરો દ્વારા યમનથી ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોનથી હુમલો
એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હૌથી બળવાખોરોની મિસાઈલોને નષ્ટ કરી દીધી હોવાનો ઈઝરાયેલનો દાવો
જેરૂસલેમ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા ૨૬ દિવસથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે હવે યમનના ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ચોથા મોર્ચા રુપે હૌથી બળવાખોરોએ યમનથી ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ પહેલા પણ તેઓ ત્રણ અલગ-અલગ મિશનમાં ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ છોડી ચૂક્યા છે અને હૌથી બળવાખોરોએ ઈઝરાયેલ સામે વધુ હુમલાની પણ ચેતવણી આપી હતી.
જાે કે ઈઝરાયેલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હૌથી બળવાખોરોની મિસાઈલોને નષ્ટ કરી દીધી છે. આ ઉપરાંત કેટલાક ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યા છે. હૌથી બળવાખોરોના લશ્કરી પ્રવકાતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા
અને પેલેસ્ટિનિયનોને જીતવામાં મદદ કરવા માટે આ હજુ પણ આ રીતે વધુ હુમલાઓ ચાલુ રાખવામાં આવશે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસનો નાશ કરવા માંગે છે જ્યારે હૌથી બળવાખોરો હમાસને સમર્થન આપી રહ્યા છે. આવામાં હૌથી બળવાખોરોના લશ્કરી પ્રવકતા સારીના આ નિવેદનથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધુ તણાવ થવાની શક્યતા વધી ગઈ છે.