ખૂટે છે …!
દરેક ભાષામાં કોઈને કોઈ કમી તો રહેવાની … પણ જયારે વાત આવે છે મારી ગૌરવવંતી ગુજરાતી ભાષાની તો ,એમાં કોઈ કમી બતાવે તો હું માન્ય કેવી રીતે રાખું …!
આપણે સૌ મિત્રો એ હમણાં થોડાં દિવસો પહેલાં જ ” ગુજરાતી ….માતૃભાષા દિવસ ” ઉજવ્યો .દરેક ગુજરાતીએ પોતાની ગુજરાતી ભાષા કેટલી વિવિધતાથી સમૃદ્ધ છે …એને લગતાં થોકબંધ લખાણો અને મહાન કવિઓ તેમજ લેખકોએ ગુજરાતી ભાષાની મહાનતાના ગુણગાન ગાયા છે એવાં લખાણો મૂકીને પોતાની જવાબદારી પુરી કરી હોય એવું અનુભવ્યું હશે .કેટલાંકે તો વળી બીજી અન્ય ભાષા કરતાં ગુજરાતી કેમ વધુ સંસ્કારી અને સુયોગ્ય છે એ દર્શાવતાં દ્રષ્ટાંતો પણ રજૂ કર્યા હશે .
મોટાભાગે લોકોએ અંગ્રેજી ભાષા પર સૌથી વધુ માછલાં ધોયા છે .વાત થોડાં અંશે સાચી પણ છે ….કારણકે મોટાભાગે દરેક માતા-પિતા છેલ્લાં કેટલાંક સમયથી પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માંગે છે અને એ મુજબ કરે પણ છે …!. કારણકે બાળક જયારે પુખ્તવયનું બને ,અને નોકરી કે પોતાનો વ્યવસાય કરવાંનું વિચારે છે ત્યારે ,અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ એને બધે જ જાેવા મળે છે .આવાં સમયે જાે તેને અંગ્રેજી ભાષા બોલતાં કે લખતાં યોગ્યરીતે જાે ન આવડે તો તે કેટલીયે જગ્યાએ થી રિજેક્ટ જઈને આવે છે , અથવા તો એને ધારેલી સફળતાં નથી મળતી .માતા પિતા પોતાનું બાળક દરેક જગ્યાએ અવ્વલ આવે એવું ઇચ્છતાં હોય છે , એટલે જ એ પોતાની માતૃભાષા ગુજરાતીને કિનારે મૂકી બાળકનાં અભ્યાસ માટે અંગ્રેજી માધ્યમ પસંદ કરે છે . આનો અર્થ એવો કદાપિ નથી થતો કે ગુજરાતી ભાષામાં ભણેલું બાળક અવ્વલ ના આવી શકે .નોકરી કે પોતાનો વ્યવસાય સફળતાપૂર્વક કરવાં માટે ,દરેકને અંગ્રેજી ભાષા આવડવી જ જાેઈએ …એવું બિલકુલ નથી .
મારા પોતાનો મત છે કે ,પોતાની માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળક પોતાના વિચારોની અભિવ્યક્તિ વધુ સારી રીતે કરી શકે છે .એટલે જ હવે દાક્તરી અને ઇજનેરીના અભ્યાસક્રમો પણ પોતાની માતૃભાષામાં બાળક ભણી શકશે એવી જાહેરાત કરવામાં આવી છે .જે ખુબ જ સુંદર અને આવકાર્ય પગલું છે એવું મને લાગે છે . મારી અને તમારી ભાષા ગુજરાતી … કેટલાં શબ્દો અને એના વિવિધ અર્થોના ખજાનાથી છલોછલ અને ઉમદા સત્વથી સભર છે એ આપણે સૌકોઈ જાણીયે છીએ . ગુજરાતી ભાષાનો ઇતિહાસ કેટલો ભવ્ય છે ….એમાં બેમત નથી .હું ગુજરાતી છું , એનું મને વિશેષ ગૌરવ છે . પરંતુ ….. ગુજરાતી જાેડણીકોશમાં હું એક શબ્દ શોધું છું ….! મને આજ દિન સુધી એનો પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દ નથી મળ્યો એ છે ‘રનર અપ ’ અંગ્રેજી ભાષામાં કોઈપણ સ્પર્ધામાં જયારે જે કોઈ વ્યક્તિ વિજેતા બને ….એના પછી બીજા ક્રમે કે ત્રીજા ક્રમે આવેલા સ્પર્ધકને ‘રનર અપ’ ઘોષિત કરાય છે .જયારે ગુજરાતી ભાષામાં એક જ વ્યક્તિને વિજેતા જાહેર કરાય છે ….! બાકીના તમામને સ્પર્ધકોને હારેલા ઘોષિત કરાય છે .એ યોગ્ય નથી .નિષ્ફ્ળતા એ સફળતાની સીડીનું પહેલું પગથિયું છે …બધા એ વાત જાણે છે .
આપણી ગુજરાતી ભાષાએ અંગ્રેજી ભાષાનો “રનર અપ ” શબ્દ સાહજિકપણે અપનાવી લીધો છે કારણકે ….ગુજરાતી શબ્દકોશ માં એનો પર્યાયવાચી કોઈ શબ્દ જ નથી .
ગુજરાતી ભાષામાં …કોઈપણ સ્પર્ધા હોય એ ચાહે ખંડમાં બેસીને અપાતી લેખિત પરીક્ષા હોય અથવા તો ખુલ્લામાં લેવાતી દોડની સ્પર્ધા …દરેક સ્પર્ધામાં ભાગ લેતાં તમામ સ્પર્ધકો ભલે સ્પર્ધા પુરી કરે , તો પણ જીતનાર એક જ વ્યક્તિના નામ પર વિજયધોષ થાય છે ,બાકીના તમામને થોડાંક માટે ચૂકેલા કે હારેલાં ઘોષિત કરાય છે ,પદક આપવાની વાત આવેતો એમને અલગ અલગ પદક આપવામાં આવે છે ખરાં , પણ એ સ્તરના સ્પર્ધકો માટે ગુજરાતી ભાષામાં કોઈ શબ્દ નથી . ત્યારે મને દુઃખ થાય છે .
આપણી ગુજરાતી ભાષા ,કોઈપણ સ્પર્ધા થોડાંક માટે હારનાર સ્પર્ધકોને યોગ્ય સન્માન ન આપી શક્યાનો મને થોડોક રંજ થાય છે .જીતી ન શકનાર સ્પર્ધકોની મહેનતને પ્રોત્સાહિત કરતો અને એની નોંધ લેતો કોઈ શબ્દ મને ગુજરાતી ભાષામાં ના મળ્યો એનો મને વસવસો છે .. ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા નો ‘રનર અપ’ શબ્દ કેમ ઉછીનો લેવો પડ્યો છે …? મને એનો જવાબ નથી મળ્યો ….!
મને એ પ્રશ્ન થાય છે …શું ગુજરાતી ભાષાના શબ્દના વિશાળ બગીચામાં માત્ર વિજેતા માટે જ સ્થાન છે . થોડાંક માટે ચુકી જનાર માટેની કદરદાની માટે કોઈ શબ્દ નથી .હિંમત હાર્યા વિના અને હતાશ કે નિરાશ થયાં વિના અધવચ્ચેથી ક્યાંય છટકી ગયા વિના …. પોતે નથી જીતવાના એવું જાણતાં હોવાં છતાં સ્પર્ધામાં ટકી રહેનાર ….અને અંતિમ રેખા સુધી સ્પર્ધા પુરી કરનાર માટે શું કોઈ શબ્દ નથી ….!!!થોડાંક માર્ક્સથી કે નજીવી ક્ષણોથી વિજયપદથી ચુકી જનાર વ્યક્તિ તાળીઓના ગડગડાટથી પોતાનાંમાંથી એકને વધાવી લે છે …તો પછી આપણી ભાષામાં એમનાં માટે કોઈ શબ્દનો ઉલ્લેખ કેમ નથી …? અન્ય સ્પર્ધકોની નિષ્ફ્ળતાને બિરદાવતો કોઈ આશ્વાસન લિપ્ત શબ્દ ગુજરાતી ભાષામાં કેમ કદી કોઈના મનમાં ન સ્ફૂર્યો ….?? મને એ ખુંચે છે . મારી ભાષાની આ ઓછપ મને થોડીક આહત કરી ગઈ .
આધુનિક યુગના જ્ઞાનગુરુ ‘ગુગલ’ પર સર્ચ કરતાં મને જયારે ‘રનર અપ ’ શબ્દનો અર્થ ગુજરાતીમાં ‘રનર અપ’ જ મળે છે ત્યારે મને નાખુશીની લાગણી થાય છે .માનવીની ભીતર અને બહારની દુનિયાની ઝીણીમાં ઝીણી સંવેદનાઓની અભિવ્યક્તિને શબ્દસ્થ કરી શકવાની ક્ષમતા ધરાવનાર મારી ભાષામાં આ શબ્દની ગેરહાજરી મને થોડીક ખટકી . ગુજરાતી જેવી સમૃદ્ધ ભાષામાં હું કોઈ ત્રુટિ બતાવી શકું ,એવી કોઈ હું વિદ્વાન નથી .અહીં મેં માત્ર મારાં મનમાં ઉઠેલાં એક નાનકડાં સવાલનો જવાબ શોધવાની કોશિશ માત્ર કરી છે .
દરેક વ્યક્તિના જીવન અને એની આજુબાજુ વણાતાં તમામ સબંધોને અને સંસ્કારોને વાસ્તવિકતાની ધાર લઈને બારીકારીથી યોગ્ય શબ્દોથી મઢનાર આપણી ગુજરાતી ભાષામાં શબ્દો,કહેવતો અને વ્યાકરણનો ખુબ વિશાળ પટ છે …આ વિશાળતાની સરખામણી અન્ય કોઈ ભાષા સાથે કરી જ ના શકાય …એવું હું દ્રઢપણે માનું છું .
એ વાત પણ એટલીજ સત્ય છે કે ગુજરાતી ભાષાના કેટલાંય શબ્દો એવા છે ,કે જેને અંગ્રેજી તેમજ અન્ય ભાષાના શબ્દો પર પોતાનો પ્રભાવ દેખાડ્યો .કેટલાંક ગુજરાતી શબ્દોનો અર્થ તો બીજી કોઈ ભાષામાં પણ ના જડ્યો .ગુજરાતી ભાષા એટલી રસપ્રદ અને અર્થપૂર્ણ છે ,કે એને દિલથી સમજવાં સાચાં ‘ગુજરાતી’ હોવું જરૂરી છે.
મારી માતૃભાષા એજ મારી ઓળખ … મારી ઓળખ એટલે મારી ગૌરવશાળી અને ગહનતાસભર ગુજરાતી ભાષા .