Western Times News

Gujarati News

‘મિશન મિલિયન ટ્રી’ સફળઃ અમદાવાદનું ગ્રીન કવર ૧૦ ટકાને પાર

આ વખતે ૭.૯૩ લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું

અમદાવાદ, આપણા અમદાવાદનો વિકાસ હરણફાળ ગતિએ થઇ રહ્યો છે. ઠેર ઠેર આકાશને આંબતી ગગનચુંબી ઇમારતો નજરે પડે છે, જાેકે આ પ્રકારે કોંક્રીટનું જંગલ થવાથી શહેર વૃક્ષ વિહોણું બનતું જાય છે. ખાસ કરીને ઉનાળાના ધોમધખતા તાપમાં નાગરિકોને ઘેઘૂર વૃક્ષોનો શીતળ છાંયડો સહેલાઈથી મળતો ન હોઈ તેમને ૪૬થી ૪૭ ડિગ્રી આકરી ગરમીમાં શેકાવું પડે છે. જાેકે મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વર્ષ ૨૦૧૯થી મિશન મિલિયન ટ્રી અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત તંત્ર દ્વારા દર ચોમાસામાં ૧૦ લાખથી વધુ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કરીને તેને હાંસલ કરવાની દિશામાં ક્વાયત આરંભાઈ છે. જે મિશન સફળ થવાથી અમદાવાદમાં ગ્રીન કલર ૪.૧૨ ટકાથી વધીને માત્ર છેલ્લાં ૧૦ વર્ષમાં જ ૧૦ ટકાને પણ પાર થયું છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે.

શહેરમાં હરિયાળું અમદાવાદ કહો કે ગ્રીન સિટી અમદાવાદ ગણો પણ સિમેન્ટ ક્રોકીંટના જંગલની લહાવો મળી રહે તે આશયથી મ્યુનિ.સત્તાધીશો દ્વારા છેલ્લાં ચાર વર્ષથી મિશન મિલિયન ટ્રી અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯ના ચોમાસામાં શહેરમાં ૧૦ લાખ રોપાનું વાવેતર કરાયું હતું. ત્યારબાદ ૨૦૨૦ના ચોમાસામાં તંત્રે ૧૦ લાખથી વધુ એટલે કે ૧૧.૫૮ લાખ રોપા શહેરમાં વાવ્યા હતા. જ્યારે ગત વર્ષ ૨૦૨૧ના ચોમાસામાં લાખથી વધુ રોપા વાવવામાં આવ્યા હતા. આ ચોમાસામાં શહેરમાં કુલ ૨૧ લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક શાસકો દ્વારા નક્કી કરાયો હતો. આ લક્ષ્યાંકની લગભગ લગોલગ રોપાનું વાવેતર તંત્ર દ્વારા કરાયું છે. મ્યુનિ.બાગ-બગીચા વિભાગ દ્વારા કુલ ૨૦.૭૫ લાખથી વધુ રોપાનું વાવેતર કરીને આ વખતે નવો રેકોર્ડ બનાવાયો છે. તંત્ર દ્વારા ગત ૫ જૂન, ૨૦૨૨ના વિશવ પર્યાવરણ દિવસથી લઈને ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં એટલે કે ફક્ત ચાર મહિનામાં જ સમગ્ર મિશનને પાર પડાયું હતું.

આ ચોમાસામાં તંત્ર દ્વારા કુલ ૨૦,૭૫,૪૩૧ રોપા વવાયા છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મ્યુનિ.બાગ-બગીચા વિભાગ દ્વારા ૧૫ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો, પરંતુ મ્યુનિ. રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુ દવેએ ૨૧ લાખ રોપાની વાવણીનો નવો લક્ષ્યાંક તંત્રને આપ્યો હતો અને સત્તાવાળાઓ નવા લક્ષ્યાંકથી માંડ ૨૫ હજાર રોપા

જેટલા દૂર રહ્યા છે, જાેકે આ ચોમાસામાં ગત ચોમાસા કરતાં ૭.૯૩ લાખ વધુ રોપાનું વાવેતર કરાયું છે. મિશન મિલિયન ટ્રી અભિયાનના પહેલા વર્ષ ૨૦૧૮ના ચોમાસામાં તંત્રે માંડ ૮૪,૮૪૯ના ચોમાસામાં તંત્રે માંડ ૮૪,૮૪૯ રોપાનું વાવેતર કર્યું હતું એટલે આ અભિયાન હેઠળ શહેરના ગ્રીન કવરમાં સતત વૃદ્ધિ થઈ રહી છે તે બાબત સ્વીકારવી રહી.
અમદાવાદમાં ઝડપભેર ગ્રીન કવર વિકસાવવા માટે વર્ષ ૨૦૧૯માં ૧૦ લાખ, વર્ષ ૨૦૨૦માં ૧૧.૫૮ લાખ, વર્ષ ૨૦૨૧માં ૧૨.૮૨ લાખ અને આ ચોમાસામાં એટલે કે વર્ષ ૨૦૨૨માં ૨૦.૭૫ લાખ એટલે કે છેલ્લાં ચાર વર્ષમાં અમદાવાદમાં મ્યુનિ.તંત્ર દ્વારા કુલ ૫૫.૧૫ લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું છે.

આ તમામ રોપાઓ પૈકી ૪૦ ટકા રોપાનો રખડતાં ઢોર દ્વારા તેને ખાઇ જવાથી, રોપાની જાળવણીનો અભાવ જેવાં કારણોથી દર વર્ષે નાશ થતો હોય છે. તેમ છતાં ૬૦ ટકા રોપામાંથી વૃક્ષ ઊગી નીકળતાં હોઈ તેનાથી પણ શહેરની ગ્રીનરી વધી હોવાનો તંત્રનો દાવો છે.

આમ તો શહેરમાં છેક ૨૦૧૨માં વૃક્ષોની ગણતરી કરાઈ હતી તે વખતે અમદાવાદનું ગ્રીન કવર ૪.૧૨ ટકા જેટલું હતું. જેમાં હવે વૃદ્ધિ થઈને ૧૦ ટકાથી વધુ થયું હોવાનો પણ તંત્રે દાવો કર્યાે છે. સત્તાવાળાઓ દ્વારા પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૫,૦૮,૭૪૨ રોપા, દક્ષિણ ઝોનમાં ૪,૨૦,૪૩૫ રોપા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩,૫૧,૪૩૦ રોપા, પશ્ચિમ ઝોનમાં ૧,૫૮,૮૧૪ રોપા, ઉત્તર ઝોનમાં ૯૧,૩૪૧ રોપા અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૨૧,૫૬૪ રોપાનું આ ચોમાસામાં વાવેતર કરાયું છે.

તંત્રે મધ્ય ઝોનમાં કુલ ૪૯,૯૩૦ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યાે હતો. પરંતુ જગ્યાના અભાવે આ લક્ષ્યાંક અધૂરો રહ્યો છે, જ્યારે પૂર્વ ઝોનમાં ૪,૩૭,૩૧૫ રોપાના લક્ષ્યાંકની સામે વધુ કામગીરી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.