Western Times News

Gujarati News

ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાના પાંચ મુખ્ય વિષયોના રિવિઝન માટે તૈયાર કરવામાં આવ્યું ‘પરીક્ષા પાથેય ૨૦૨૫’

ધારાસભ્યશ્રી ડો. હર્ષદભાઈ પટેલના હસ્તે ‘પરીક્ષા પાથેય ૨૦૨૫’નું લોકાર્પણ કરાયું

સંપુટમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ પરીક્ષા સ્થળોના લોકેશન તથા બોર્ડ પરીક્ષા સંબંધિત મહત્વના સૂચનો સમાવિષ્ટ

મિશન સિદ્ધત્વ . અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા નિર્માણ કરાયું

આગામી સમયમાં શરૂ થઈ રહેલી ધોરણ – ૧૦ની બોર્ડ પરીક્ષામાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિદ્યાર્થીઓને મહાવરા સહિત અન્ય જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘પરીક્ષા પાથેય ૨૦૨૫’ તૈયાર કરવામાં આવ્યું છે.

મિશન સિદ્ધત્વ ૨.૦ અંતર્ગત તૈયાર કરાયેલા ‘પરીક્ષા પાથેય ૨૦૨૫’નું સાબરમતીના ધારાસભ્ય શ્રી ડો. હર્ષદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્વામીનારાયણ ઈંટરનેશનલ સ્કૂલ, રાણીપ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ‘પરીક્ષા પાથેય ૨૦૨૫’ના નિર્માણ બદલ જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય શ્રીમતી કૃપાબેન જહા અને સમગ્ર ટીમને અભિનંદન આપતા ડો. હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાકીય સહાયોનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ યોજનાઓના લાભો મેળવવા અનુરોધ કર્યો હતો.

સાથે જ, તેમણે વિદ્યાર્થીઓને મક્કમ મનોબળ સાથે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લોકાપર્ણ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ શાળા વિકાસ સંકુલના તજજ્ઞ શિક્ષકો દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે ગણિત (સ્ટાન્ડર્ડ અને બેઝીક) વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી – એમ પાંચ મુખ્ય વિષયો માટે પરીક્ષાલક્ષી પાથેય તૈયાર કરવામાં આવ્યું છે. જે પરીક્ષા પહેલાના સમયમાં તમામ વિદ્યાર્થીઓને રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી થશે. વધુમાં, તેમાં આપવામાં આવેલા પરીક્ષા સ્થળોના લોકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી સમયસર પહોંચી શકશે.’પરીક્ષા પાથેય ૨૦૨૫’ સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ રહેશે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય શ્રીમતી કૃપાબેન જહા, વરિષ્ઠ માર્ગદર્શક શ્રી મનુભાઈ રાવલ, શ્રી ગુણવંતભાઈ પટેલ, શ્રી માણેકભાઈ પટેલ તેમજ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પદાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.