રાજપીપલાની જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પને ખુલ્લો મુકતા નાંદોદના ધારાસભ્ય

કેન્સર જેવી ગંભીર બીમારીને વધતી અટકાવવા માટે જનજાગૃતિ એજ સૌથી મોટુ માધ્યમ છે – દર્શનાબેન દેશમુખ
(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરી અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ચાલી રહેલા અર્બલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ જિલ્લા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ-રાજપીપલા અને અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, કેન્સર જેવી ગંભીર બીમારીને નાથવા માટે આપણે સૌ નાગરિકોએ જાગૃત થવું પડશે. ખાસ કરીને મહિલાઓમાં જાેવા મળતા કેન્સર પાછળ ગ્રામિણ વિસ્તારની મહિલાઓમાં જાેવા મળતી જાગૃતિનો અભાવ પણ કારણભૂત બને છે. મહિલાઓ પોતાના બાળક અને પરીવાર માટે ઘણું કરી છુટે છે પણ તે પોતાના સ્વાસ્થ્ય માટે ક્યારેય કંઈ વિચારતી નથી.
પોતાની નાની નાની સમસ્યાઓ કોઈને કહી શકતી નથી જેના કારણે મોટી બિમારીઓ શરીરમાં ઘર કરી જતી હોય છે. આવા સંજાેગોમાં ગ્રામ્ય વિસ્તારના બહેનોને જાગૃત કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો ઉત્તમ માધ્યમ છે, ગ્રામિણ કક્ષાએ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ આ કાર્યકર બહેનોની મદદ લઇને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સુધી આરોગ્ય લક્ષી ઉત્તમ સુવિધાઓ પહોંચાડવામાં ખૂબ સરળતા રહેશે.
વધુમાં ધારાસભ્યશ્રી ડૉ. દેશમુખે ઉમેર્યું કે, સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના કેન્સર જેવી ગંભીર બીમારીઓના સારવાર માટે જિલ્લાના નાગરિકોએ સહાયક બની રહી છે. આ કાર્ડ થકી ગામડાનો કોઈપણ નાગરિક સરળતાથી મોંધી સારવાર પોતાના ખિસ્સામાંથી નાણાં વેડફ્યા વિના કરાવી શકે છે. પહેલાના સમયમાં આર્થિક અગવડતાના કારણે લોકો આવી ગંભીર બીમારીઓમાં સારવાર કરાવવાથી પીછેહટ કરતા હતા જે હવે આયુષ્યમાન કાર્ડ મળવાથી નાગરિકો માટે મોંઘી સારવાર કરાવવી પણ સરળ બની ગઈ છે.