Western Times News

Gujarati News

ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટા સિક્કાનો ઉપયોગ કરી આધારકાર્ડમાં સુધારો કરવાનું કૌભાંડ

AI Image

કાપોદ્રા પોલીસે મૂળ ઓડિશાના યુવક દીપક પટનાયક નામના આરોપીની ધરપકડ કરી-સુરતમાં ધારાસભ્યના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અપડેટનું કૌભાંડ ઝડપાયું

(એજન્સી)સુરત, સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટા સિક્કાનો ઉપયોગ કરી આધારકાર્ડમાં સુધારો કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કાપોદ્રા પોલીસે મૂળ ઓડિશાના યુવક દિપક પટનાયક નામના આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટો સિક્કો બનાવી દુરૂપયોગ કરવામાં આવતો હતો. આરોપી દિપક પટનાયક આ ખોટા સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડના ફોર્મ અપડેટ કરતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો.

સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપક પટનાયકની ઓફિસમાંથી આધારકાર્ડ અપડેટ કરવાના ફોર્મ અને અન્ય પુરાવા એકત્રિત કરી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ મમાલે કાપોદ્રા પોલીસે જણાવ્યું કે, આરોપી મૂળ ઓડિશાનો રહેવાસી છે. તેની પાસેથી ૨૯થી વધારે ફોર્મ મળી આવ્યા છે, જેમાં ધારાસભ્યની ખોટી સહી અને ખોટા સિક્કા લગાવેલા હતા. આ સિવાય ધારાસભ્યની આધાર કાર્ડની ફોટો કાપી મળી આવી છે. આરોપીના ફોનમાંથી ધારાસભ્યની સહીની કાપી પણ મળી આવી છે અને કોમ્પ્યુટરમાંથી સ્ટેમ્પ્સ અને બીજા ડોક્્યુમેન્ટ્‌સ મળ્યા છે. આરોપી આની મદદથી પાનકાર્ડ અપડેટ અને નવા પાનકાર્ડ બનાવવા માટેનો ઉપયોગ કરતો હતો. અત્યાર સુધીના મોટા ભાગના દસ્તાવેજ આધારકાર્ડ અપડેટને લઈને મળી આવ્યા છે.

ધારાસભ્ય કિશોર કાનાણીએ આ વિશે જણાવ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિના ખોટા સહી-સિક્કા બને અને તેનો દુરૂપયોગ થાય તે ખૂબ જ ગંભીર કહેવાય. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને હું પોલીસની કામગીરીને અભિનંદન પાઠવું છું. આ મુદ્દે ગંભીર તપાસ થવી જોઈએ કારણ કે, કોઈ ગેરકાયદે વિદેશી ઘુસણખોરો પણ આ પ્રકારનો ઉપયોગ કરતા હોય શકે છે. જોકે, આ મામલે તપાસમાં હજુ વધુ ખુલાસા થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.