પૈસા વાપરવામાં કરકસર તો મોબાઈલના વપરાશના સમયમાં કેમ નહિ ?

સોશિયલ મિડીયાનું વળગણ: બાળકોમાં મોબાઈલ ફોનનો વધતો જતો વપરાશ, દેશમાં લગભગ ૭૦ ટકા બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણતા હોવાનો દાવો
બાળકો મોબાઈલ સ્ક્રીન પર રોજના દોઢથી બે કલાક વીતાવે છે
અમદાવાદ, આધુનિક યુગમાં રોજીંદા જીવનમાં મોબાઈલનું સ્થાન ખૂબજ મહત્વનું અને ટોચનું બની ગયું છે. મોર્ડન પ્રકારના મોબાઈલમાં આવતા નવા-નવા ફીચર્સને કારણે નવી પેઢી બજારમાં સારો મોબાઈલ આવે કે તરત જ ખરીદવા દોટ મૂકે છે. એ મોબાઈલ ખરીદવા માટે બજેટ હોય કે ન હોય. મોબાઈલ ખરીદતી વખતે એ જોવામાં આવતુ નથી કે તેનાથી પોતાને શું ફાયદો થાય છે ?
હાં, વોઈસ કવોલીટી, કેમેરા સહિતની સુવિધાને કારણે રીલ્સ બનાવવી કે પછી પોતાના વિડિયો અપલોડ કરવા સરળ બને છે. ન્યુવર્ઝન સાથેના મોબાઈલમાં નવા ફીચર્સ હોય છે તે આજની પેઢી સારી રીતે જાણે છે અને તેનો ઉપયોગ કરવાનું સમજે છે.
પરંતુ મોટેભાગે અમુક રેંજ પછીના મોબાઈલમાં ફીચર્સ લગભગ કોમન જોવા મળે છે સવાલ એ છે કે પોતાની શૈક્ષણિક પ્રવૃતિ કે વ્યવસાયમાં આ મોબાઈલ કેટલો કામમાં આવે છે તે જરૂરી છે. ભારતમાં સ્માર્ટ ફોનનું બજાર ખૂબ મોટુ છે હવે તો નાના-મોટા સૌ કોઈ પાસે સ્માર્ટ ફોન જોવા મળે છે મોબાઈલ ફોનનું શરૂઆતમાં જે સ્ટેટસી હતુ તેમાં આસમાન- જમીનનો ફરક પડી ગયો છે.
આ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે આજકાલ સ્માર્ટ ફોન તો બાળકો પાસે જોવા મળે છે. મોબાઈલ ફોનનો વપરાશ આડેધડ થઈ રહયાના દાવા થઈ રહયા છે. ખાસ કરીને બાળકોમાં સ્માર્ટ ફોનનો વપરાશ વધી ગયો છે એ એટલે હદ સુધી કે બાળકો મોબાઈલમાં ગેમ રમવાની બાબતમાં ઝનૂની બની ગયા છે. તાજેતરમાં શાળામાં વિદ્યાર્થીઓએ ગેમ રમતા બ્લેડ મારી હોવાના અહેવાલોએ સમાજને ચિંતામાં મૂકી દીધો છે મોબાઈલ ફોનનું રીતસરનું વળગણ થઈ ગયું છે.
ઉઠતા- બેસતા- ચાલતા અરે છેક બેડરૂમ સુધી મોબાઈલે કબજો જમાવી દીધો છે લોકો ટ્રાફિક સિગ્નલ પર પણ મોબાઈલ છોડતા નહી હોવાનું ધ્યાન પર આવ્યું છે. મોબાઈલને કારણે સામાજીક સંબંધોમાં અસર વર્તાય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે દેશમાં ટીનએજર (૧૪ થી ૧૬ વર્ષ)ની ઉંમરના લગભગ ૭૦ થી ૮૦ ટકા બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણે છે.
જયારે માત્ર પ૦ ટકાની આસપાસ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃતિ માટે ફોનનો ઉપયોગ કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે તો ૭૦ ટકાની આસપાસ બાળકો સોશિયલ મિડીયા પાછળ સમય વ્યતિત કરે છે ઉલ્લેખનીય છે કે એવરેજ બાળકો રોજના દોઢથી બે કલાક મોબાઈલમાં ગેમ રમવા પાછળ વ્યસ્ત રહે છે જોકે આ એક સર્વે હોય છે જે સીમીત લોકોને ગણતરીમાં લઈને કરાતો હોય છે. આંકડાની માયાજાળથી દૂર રહીને વાત કરીએ તો આપણે નજર સમક્ષ જોઈએ છીએ.
બાળકો ફીઝીકલ એક્ટીવીટીથી દૂર રહીને પોતાનો સમય મોબાઈલમાં ગેમ રમવા, કાર્ટુન જોવા પાછળ વેડફે છે જેને કારણે લાંબાગાળે બાળકોના સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે તેમ તબીબોનું કહેવુ છે આપણે ત્યાં તો બાળક નાનું હોય કે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. હજુ બાળક સરખુ ખાતા શીખ્યો ન હોય પરંતુ મોબાઈલ હાથમાં આપીને માં-બાપ ગર્વ અનુભવતા જોવા મળે છે
નાના-નાના પાંચ-સાત વર્ષના ભૂલકાઓના હાથમાં મોબાઈલ આપવો યોગ્ય છે ? ખરેખર તો આમાં માં-બાપે સમજવું પડશે. મોબાઈલ આધુનિકયુગમાં જરૂરી બની ગયો છે તે માની લઈએ પરંતુ તેના વપરાશના સમયમાં તો આપણે નિયંત્રણ મૂકી શકીએ છીએ. જેમ પૈસાની કરકસર કરીએ છીએ તેમ મોબાઈલના વપરાશના સમયમાં કંજૂસાઈ કરીએ તો ના ચાલે ?