રાયસણ ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે દ્રષ્ટિહિન યુવાઓને મોબાઇલ વિતરણ કરાયા
(માહિતી) અમદાવાદ, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં જનસેવા કાર્યોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ આ પ્રકારના સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આજે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાનશ્રીની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. મંત્રીશ્રીના હસ્તે દ્રષ્ટિહિન યુવાઓને મોબાઇલ વિતરણ કરાયા હતા.
તો બીજી તરફ મંત્રી શ્રી વાઘાણીએ ગાંધીનગરના સેક્ટર ૨૮ ખાતે આવેલી સમર્પણ મુક બધિર શાળાની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું. રાષ્ટ્રીય દ્રષ્ટિહિન સંઘ, ગુજરાત રાજ્ય શાખા દ્વારા ગાંધીનગર નજીક રાયસણ ખાતે કોમ્યુનિટી હોલમાં દિવ્યાંગ યુવાઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ દિવ્યાંગ યુવાઓને સંબોધીને કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હંમેશા સેવા કાર્યો સાથે ઉજવાતો રહ્યો છે.
જે વ્યક્તિને કુદરતી કોઈ શારીરિક ખામી જન્મજાત મળી હોય તે વ્યક્તિ ને સમાજમાં અને સમગ્ર દેશમાં યોગ્ય માન સન્માન મળી રહે તે અત્યંત જરૂરી છે. આ નાગરિકોને દિવ્યાંગ નામ આપીને વડાપ્રધાનશ્રીએ તેમનું સન્માન વધાર્યું છે. એટલું જ નહીં, તેમના માટે યોજનાઓ બનાવી વિશેષ સવલત સુવિધાઓ આપીને દિવ્યાંગ નાગરિકોનું જીવન ઉજ્જવળ બનાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય દ્રષ્ટિહિન સંઘ દ્વારા આયોજિત આ નિશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કાર્યક્રમમાં દિવ્યાંગ દ્રષ્ટિહિન યુવાઓને આપવામાં આવેલા મોબાઈલમાં વિશેષ ટેકનોલોજીકલ સુવિધાઓ ઉમેરવામાં આવી છે જેનાથી આ મોબાઇલ દિવ્યાંગ વ્યક્તિને વોઇસ આસિસ્ટ કરશે. આ ટેકનોલોજી યુક્ત મોબાઇલ દિવ્યાંગ ભાઈ-બહેનોના આત્મવિશ્વાસ વધારવા માટેનું પ્રેરક બળ પૂરૂ પાડશે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઇ પટેલ, ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી પી.એમ.લાખાણી ઉપરાંત પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ તથા દિવ્યાંગ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.