ગુજરાતમાં ૧૯ સ્થળોએ યુદ્ધ સાયરન સાથે મોક ડ્રિલ યોજાશે

સાંજે ૭.૩૦થી ૮ વાગ્યા સુધીનુ બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાશે
ગાંધીનગર, પાકિસ્તાને પહલગામમાં આતંકીઓને મોકલી જેવી રીતે નરસંહાર કર્યો જેના કારણે તેની દુનિયાભરમાં ફજેતી થઈ રહી છે. ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ જબરદસ્ત રોષ છે. દેશના ખૂણે ખૂણેથી પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી ઉઠી રહી છે.
પાકિસ્તાન પણ જાણે છે કે તેણે પોતાના માટે મુસિબતને આમંત્રણ આપ્યું છે. ભારતના હુમલાની આશંકાના પગલે પાકિસ્તાનના ખૂણે ખૂણે ખૌફ ફેલાયો છે. ભારતીય સેનાની પુરતી તૈયારી છે. જલ, થલ અને નભ ત્રણ બાજુથી પાકિસ્તાનને ઘેરવા સતત કામ ચાલી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન ભારત સજ્જ છે. ગૃહમંત્રાલયે રાજ્યોમાં નાગરિક સુરક્ષાની મોકડ્રીલ કરવા આદેશ આપ્યો છે. આ મોક ડ્રીલ ભારતના ૨૪૪ જિલ્લાઓમાં કરવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૯ શહેરોનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ મોક ડ્રિલને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાડ્ર્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે બાદ હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી છે.
યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવતીકાલે ગુજરાતમાં સાંજે ૪ વાગે મોક ડ્રીલ યોજાશે. જ્યારે સાંજે ૭.૩૦ કલાકે બ્લેકઆઉટની મોકડ્રીલ યોજાશે. આ મોક ડ્રીલ અડધા કલાક માટે યોજાશે. જેમાં ૭.૩૦થી ૮ વાગ્યા સુધીનુ બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાશે. લોકોને સમજણ આપવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, આવતીકાલે આ મોક ડ્રીલમાં ૭.૩૦ વાગ્યે લાઈટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે, સાથે-સાથે કોઈએ ડરવાની જરૂરી નથી, કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી. આ મોક ડ્રીલ છે અને તમામ નાગરિકો સમજી શકે એ માટે આ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં આપણા રાજ્યમાં પણ ૧૮ જિલ્લામાં તમામ વિભાગો દ્વારા આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મોક ડ્રીલ દરમિયાન સાયરન વાગશે અને લોકોને સજાગ રહેવું પડશે. ઘરો, ઓફિસો અને અન્ય સ્થળોએ લાઇટો બંધ કરવાની રહેશે. લોકોએ બહાર હરવા-ફરવાનું ટાળવું અને લિફ્ટનો ઉપયોગ ન કરવો. બધી કામગીરી ચાલુ રહેશે, પરંતુ લાઇટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ગાઈડ લાઈન મુજબ આ મોક ડ્રીલમાં હોસ્પિટલ સામેલ નહીં થાય
ગુજરાતના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, કોડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીમાં મોક ડ્રીલ યોજાશે.
આ મોક ડ્રીલ – હવાઈ હુમલાના સાયરનની ચકાસણી, એરફોર્સ સાથે સંવાદ માટે હોટલાઈન, રેડિયો લિંકથી જોડાણની ચકાસણી, કંટ્રોલરૂમની કાર્યક્ષમતાની ચકાસણી, હવાઈ હુમલાના સાયરનથી નાગરિકોને અવગત કરવા, હુમલામાં કઈ રીતે બચવું એ અંગે નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને માહિતગાર કરવા, હવાઈ હુમલા વખતે બ્લેકઆઉટ એટલે કે લાઈટ બંધ કરવાનો અભ્યાસ,
દુશ્મનને છેતરવા માટે અગત્યના પ્લાન્ટ, યંત્રોની સ્થાપના, સુરક્ષા મથકોની સલામતીની તૈયારીનું મૂલ્યાંકન, વોર્ડન સેવા, ફાયરબ્રિગેડ, બચાવ કામગીરી અને સાચવણીની કામગીરીની ખાતરી, સંકટની સ્થિતિમાં સ્થળાંતરની યોજનાની તૈયારી અને તેના અમલીકરણનું મૂલ્યાંકન કરવામાં આવશે. મોક ડ્રીલમાં – જિલ્લા કલેક્ટર સહિતના અધિકારી, જિલ્લા વહીવટી તંત્ર, નાગરિક સુરક્ષા સાથે જોડાયેલા વોર્ડન, વોલ્યુન્ટીઅર હોમગાર્ડ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે.