આધુનિક શિક્ષણ વ્યવસ્થાના રણમાં મીઠી વીરડી – “ગુરુકુલમ્”
“શિક્ષણ”, “શિક્ષા” કે “કેળવણી” જેવા શબ્દો આજના આધુનિકતાના જમાનામાં “એજ્યુકેશન” માં પરિણમી રહ્યા છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ શિક્ષણનું આધુનિકીકરણ એજ્યુકેશન તરીકે ઓળખાઈ રહ્યું છે. modern education system – “Gurukulam”
કીડ્સ સ્કૂલ, પ્રિસ્કૂલ, નર્સરી, કીન્ડરગાર્ટન તરફ શિક્ષણ માટે આજે જ્યારે સમાજમાં સ્વાભાવિક રીતે ઝોક વધી રહ્યો છે ત્યારે મૂલ્યવર્ધન અને કૌશલ્યવર્ધનની અલગ પરિભાષા આપતી એક સંસ્થા અમદાવાદના સુભાષબ્રીજ વિસ્તાર ખાતે કાર્યરત છે.
“ગુરુકુલમ્” સુભાષબ્રીજ એ શિક્ષણ, સંસ્કૃતિ અને કળાના સુભગ સમનવય થકી આર્યશિક્ષણ પ્રથા અને વૈદિકશિક્ષણ પ્રણાલીની જ્યોત પ્રગટાવી રહેલી સંસ્થા છે. પોતાના માત્ર પાંચ બાળકો સાથે વર્ષ ૨૦૦૩ માં શ્રી સતિષભાઈ મહેતા , કલ્યાણમિત્રો અને ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ દ્વારા શરૂ થયેલી સંસ્થા પોતાની આગવી શિક્ષણ પ્રણાલીના ભાગરૂપે આજે ૩૦૦ બાળકોનું વટવૃક્ષ બનીને ઊભું છે.
જ્ઞાન એટલે વિદ્યા, “સા વિદ્યા યા વિમુક્તયે”. વિદ્યા એ જ જે વિમુક્તિ તરફ લઈ જાય, એટલે કે દુર્ગુણોથી મુક્ત કરે. આધુનિક કાળમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. વર્તમાન યુગમાં વિપરીત શિક્ષણ વ્યવસ્થાના લીધે માનવજીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બહોળા પ્રમાણમાં પ્રભાવિત થઈ છે.
આ અસરોમાંથી સમાજને બહાર લાવવાનો એકમાત્ર માર્ગ આપણા મૂળ તરફ પાછા ફરવાનો છે. આ વિચારધારા ના ભાગરૂપે ગુરુકુલમ્ ની સ્થાપના કરવામાં આવી હતી, અહીં શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા નીતિ અને સદાચારના મૂલ્યો આધારિત શિક્ષણ અને તાલીમ પૂરી પાડે છે.
અહીં વિદ્યાર્થીઓનું ચારીત્રનિર્માણ કરીને તેમને આત્માથી સ્વાભિમાની અને સ્વાશ્રયી બનાવવાના ધ્યેય સાથે આર્ય શિક્ષણ અને વૈદિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. અહી મૂલ્યવર્ધન અને કૌશલ્યવર્ધન તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે છે
ગુરુકુલમ્ ની શિક્ષણપ્રણાલીમાં ગુરુને સર્વોચ્ય સ્થાને બિરાજમાન કરવામાં આવે છે. જેને લીધે જીવંત અને સ્થિતિસ્થાપક શિક્ષણ પદ્ધતિ અમલી બને છે. અહી બાળકોની યોગ્યતા અને રુચિ અનુસાર ૬૪-૭૨ કળાને ધ્યાનમાં લઈને ગુરુજનો દ્વારા અભ્યાસક્રમ નિર્ધારિત કરવામાં આવે છે.
સવારે આઠ વાગ્યે આરંભતા વર્ગો ૭ વર્ષ સુધીના બાળકો માટે બપોરે ૧૨ વાગ્યા સુધી અને ૭ વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે સાંજે ૪ વાગ્યા સુધી સંચાલિત થાય છે.
અહીઁની પરીક્ષા પદ્ધતિ પણ અનોખી છે. બાળકની યોગ્યતાનું મૂલ્યાંકન અભ્યાસની માત્રા અનુસાર નહિ પણ ગુણવત્તા અનુસાર થાય છે. ચારિત્રનિર્માણની સાથે સાથે જીવનના બધાજ દ્રષ્ટિકોણથી યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી જ ઉત્તીર્ણ થાય છે.
અહીંનું બાળક જ્યારે બહાર આવે છે ત્યારે સામાજિક કે આધ્યાત્મિક જીવનમાં પોતાના સર્વાંગી વિકાસથી બધા લક્ષ્યો સર કરવા સક્ષમ બને છે. બાળક સજ્જન અને સંસ્કારી બને છે, તેનામાં ગુણવિકાસ થાય છે. જે સમાજ અને રાષ્ટ્રના સુયોગ્ય નિર્માણ માટે મહત્વનો ભાગ ભજવે છે.
સવારે ૭ વાગ્યે પ્રાર્થના થી દૈનિક શિક્ષણકાર્ય નો શુભારંભ થાય છે. એક વર્ગખંડમાં મહત્તમ ૧૨ થી ૧૫ વિદ્યાર્થીઓ હોય છે.
મધ્યાહને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. જીવનવિકાસમાં આહાર અગત્યનો ભાગ ભજવે છે. “જેવો અન્ન તેવો ઓડકાર”- આ કહેવતને ગુરુકુલમ્ માં સુપેરે સાર્થક કરવામાં આવે છે.
અહી સાત્વિક ભોજન થી વિદ્યાર્થીઓની પ્રકૃતિ સાત્વિક બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. એટલેજ , વિદ્યાર્થીઓ માટે દેશી ગીર ગાયના ઘી- દૂધ, તલનું તેલ,
કેમિકલ વગરના ગોળ ખાંડ, તથા રાસાયણિક ખાતર વગર તૈયાર થયેલા અનાજ માંથી બનેલું ભોજન પીરસવામાં આવે છે. અહીંયા ભોજન ચૂલા પર લાકડા અને છાણાં વડે બનાવવામાં આવે છે.
આથી, તે સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીની પસંદગી ઋતુ અનુસાર કરવામાં આવે છે, જે તેમના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માં સહાયરૂપ બને છે. આયુર્વેદ અનુસાર, “રસોઈ રાંધે પિત્તળ માં, પાણી ઉકાળે તાંબુ, ભોજન કરે જે કાંસા માં, જીવન માણે લાંબુ” ,
આ ઉક્તિને સાર્થક કરતા ગુરુકુલમ્ માં પિત્તળના વાસણોમાં ભોજન રાંધવામાં આવે છે. બાળકો કાંસા ના વાસણોમાં ભોજન ગ્રહણ કરે છે અને તાંબાના વાસણમાં પાણી પીએ છે. આમ, ભોજન તૈયારી અને ભોજન ગ્રહણ પણ આર્ય પરંપરા અનુસાર અનુસરવામાં આવે છે.
ગુરુકુલમ્ માં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, અંગ્રેજી, વૈદિક ગણિત, ઘડિયા, નામું, પર્યાવરણ, વાસ્તુ શાસ્ત્ર, ધાર્મિક, આયુર્વેદ, જ્યોતિષ શાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સમાન્ય જ્ઞાન જેવા અનેક વિષયોમાં વિદ્યાર્થીઓને પારંગત બનાવવામાં આવે છે. અહી હાર્મોનિયમ, તબલાં, સિતાર, વાયોલિન, સંતૂર, વાંસળી,
જલતરંગ જેવા વાદ્યો, ભરતનાટ્યમ, કથ્થક જેવા નૃત્યો, પાકકળા, ચિત્રકલા, હસ્ત લેખન, રંગોળી, મહેંદી, ગહુલી , કેશકળા, માટીકામ, ભરતગૂંથણ વગેરે જેવી કળાઓ અને કરાટે, પોલ/રોપ મલખમ, માર્શલ આર્ટ, જિમનેસ્ટિક, ઘોડેસવારી, વકતૃત્વ, અક્યુપ્રેશર, વ્યક્તિત્વ વિકાસ, વ્યવસ્થા કળા જેવા કૌશલ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.
આર્ય શિક્ષણ વ્યવસ્થામાં માનવજીવનના સોળ સંસ્કારોમાંના એક એવા વિદ્યારંભ સંસ્કાર ની પરંપરાને આદર્શ રાખીને ગુરુકુળમાં નવા પ્રવેશતા બાળકોને વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે વરઘોડા સાથે પ્રવેશ કરાવવામાં આવે છે.
આમ, ગુરુકુલમ્ એ વર્તમાન ડિજિટલ યુગમાં પણ શિક્ષણ ક્ષેત્રે આર્ય પરંપરા અને વૈદિક શિક્ષણની સોડમ પ્રસરાવીને સાચા અર્થમાં સમાજની આવનારી પેઢીને રાષ્ટ્ર નિર્માણ અને સમાજ કલ્યાણ માટે સહભાગી થવા માટે તૈયાર કરે છે. આથી જ ગુરુકુલમ્ શિક્ષણ, સંસ્કૃતિ અને કળાનો ત્રિવેણી સંગમ છે.
આજે જ્યારે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં ગુરુકુલમ્ ખાતે યોજાયેલા વિદ્યારંભ સંસ્કાર પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણમાં પણ પાશ્ચાત્ય સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયેલો જોવા મળે છે ત્યારે આપણી પ્રાચીન ધરોહર અને વૈદિક તેમજ આર્ય શિક્ષણપ્રણાલીને જાળવી રાખતી ગુરુકુલમ્ જેવી શિક્ષણ સંસ્થાઓ આજે ખરેખર વરદાનરૂપ છે. – મિનેશ પટેલ