સંવેદનશીલ મુદ્દા પર બોલવામાં સંયમ જાળવવા મંત્રીઓને મોદીની સૂચના

ભારત અને ઈન્ડિયા પર કંઈપણ ન બોલવા વડાપ્રધાનની સલાહ
(એજન્સી)નવી દિલ્હી, ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બર એમ ૨ દિવસ જી૨૦ બેઠક યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭મી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જવાના છે.
તો બીજીતરફ જી૨૦ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’નો ઉલ્લેખ કરાતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ‘ઈન્ડિયા’નું નામ હટાવવાનો આરોપ લગાવ્યો છે.
આ મામલે વિપક્ષી નેતાઓ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે પીએમમોદીએ આજે ‘ભારત’ અને ‘ઈન્ડિયા’ તેમજ સનાતન ધર્મ અંગે મંત્રીઓને મહત્વની સલાહ આપી છે.
આજે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીને સલાહ આપી છે કે, તેઓ ‘ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલે… સૂત્રોએ આ જાણકારી આપી છે. ઉપરાંત બેઠકમાં પીએમ મોદીએ સનાતન ધર્મનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે તમામ મંત્રીઓને કેટલીક શરતોના આધારે સનાતન ધર્મ વિવાદ પર બોલવાની મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીએ તેમના મંત્રીઓને એમ પણ કહ્યું છે કે, જી૨૦ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે… પીએમ મોદીએ જી૨૦ની બેઠકમાં બસ પૂલનો ઉપયોગ કરવાની વિશેષ સલાહ આપી છે. સૂત્રો મુજબ વડાપ્રધાને કહ્યું કે, ૯ સપ્ટેમ્બરે યોજાનાર રાત્રિભોજનમાં ભાગ લેનાર મંત્રીઓ વાહનો દ્વારા સંસદ ભવનના પરિસરમાં આવે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે.
જી૨૦ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ જશે… મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ રાત્રિભોજન માટે સંસદ ભવન પરિસરમાં સાંજે ૫.૫૦ સુધી પહોંચવાનું રહેશે અને વેન્યૂ સુધી ૬.૩૦ સુધીમાં પહોંચવું પડશે.
ઉલ્લેખનિય છે કે, ભારતની યજમાની હેઠળ ૯મીને શનિવાર અને ૧૦મી સપ્ટેમ્બરને રવિવારે એમ ૨ દિવસ જી૨૦ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ ભાગ લેશે… રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી ૯મી સપ્ટેમ્બરે જી૨૦ રાત્રિભોજનનું આયોજન કરાયું છે.
જી૨૦ શિખર સંમેલન અગાઉ વડાપ્રધાન મોદી ૭મીને ગુરુવારે ઈન્ડોનેશિયા જવા માટે રવાના થશે. પીએમમોદી આસિયાન-ભારત શિખર સંમેલન અને ૧૮માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના જકાર્તા જશે. તેઓ ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જશે. પીએમ મોદી આ વર્ષે ઈન્ડોનેશિયાનો બીજી વખત પ્રવાસ કરશે.
અગાઉ તેમણે નવેમ્બર-૨૦૨૨માં બાલીમાં જી૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આસિયામાં કુલ ૧૦ સભ્ય દેશો છે, જેમાં બ્રુનેઈ, કમ્બોડિયા, ઈન્ડોનેશીયા, લાઓસ, મલેશીયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે.
આસિયાનની સ્થાપના ૧૯૬૭માં ૮મી ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. જી૨૦ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’નો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે વિપક્ષોએ વિવાદ છંછેડ્યો છે… વિપક્ષોએ ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવાને બદલે વાંધો ઉઠાવ્યો છે.
વિપક્ષે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાથી ડરી ગઈ છે અને દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે.