હરિયાણામાં બેરોજગારી માટે મોદી જવાબદાર છે: રાહુલ ગાંધી
નૂંહ, હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી હરિયાણા પહોંચ્યા હતા. તેમણે અહીં મહેન્દ્રગઢમાં એક જનસભાને સંબોધી હતી. જનસભામાં રાહુલે કહ્યું હતું કે હરિયાણામાં બેરોજગારી છે અને તેના માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે અગ્નિવીર યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને મજૂર બનાવવાનો છે.
તેમના તમામ પૈસા અદાણી ડિફેન્સમાં જઈ રહ્યા છે. જાહેરસભા દરમિયાન ભાજપની ટિકિટ પર સિરસાથી લોકસભાની ચૂંટણી લડેલા અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલા રાહુલે નૂહમાં પણ જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું હતું કે હવે મોદી ૫૬ ઇંચની છાતીની વાત નથી કરી રહ્યા.
તેમનો ચહેરો સાવ બદલાઈ ગયો છે. આ સાથે રાહુલે કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપને વોટ ન આપતા. રાજ્યમાં અન્ય નાના પક્ષોને પણ મત આપશો નહીં, કારણ કે તેઓ ભાજપના જ એ, બી અને સીપક્ષો છે.
તેમનામાં અને ભાજપમાં કોઈ ફરક નથી. નૂહ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ અહીંથી દક્ષિણ હરિયાણાને જીતવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના ભાષણમાં તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભાજપે દેશમાં નફરત ફેલાવેલી છે. ભાજપ અને આરએસએસ મળીને દેશમાં સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ આવું નહીં થવા દે. અંબાણી અને અદાણીનું નામ લીધા વિના રાહુલે કહ્યું કે મોદી સરકારે તેના મિત્રો સહિત દેશના ૨૦-૨૫ લોકોની અબજોની લોન માફ કરી દીધી છે, પરંતુ ખેડૂતો માટે કંઈ જ કર્યું નથી.SS1MS