ગુજરાતમાં જ નહીં આખા દેશમાં ચાલી રહી છે મોદી લહેર: અમિત શાહ
ગાંધીનગર લોકસભા મતવિસ્તારથી અમિત શાહનો ચૂંટણી શંખનાદ
અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું અને કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે. તેઓએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.
અમદાવાદમાં મેમનગરમાં અમિત શાહ હનુમાનજીના દર્શન કરીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન અમિત શાહે મંદિરમાં આરતી પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી રીપીટ કરાયા છે. તેમણે શુક્રવારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને ભાજપના કાર્યકરોને મતદારોને કહ્યું કે આ ચૂંટણી માત્ર તેમની પાર્ટી માટે નહી દેશ માટે છે.
શાહે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શહેરના ગુરુકુલ રોડ પરના મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા કરી હતી અને ત્યારબાદ સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમિત શાહે તેમના પક્ષના કાર્યકરોને ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક મતદાતાનો સંપર્ક કરવા અને કમળનું બટન દબાવવા અપીલ કરવા કહ્યુ હતું.
તેમણે કહ્યું, લોકોને કહો કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે નથી, પરંતુ ભારત માટે છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે કોઈ પણ કાર્યકરને સંપર્ક કરવાનો રહી ના જવો જોઇએ. શાહે જ્યાં લોકોને સંબોધ્યા તે મંદિર વિસ્તાર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. શાહે પોતાના રાજકારણના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને લોકોને કહ્યું કે લગભગ ૩૦ વર્ષ પહેલા જ્યારે તેઓ તેમની પ્રથમ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે આ જ હનુમાન મંદિરમાં પૂજા કર્યા પછી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “ભારતમાં લગભગ ૧૫૦૦ પક્ષોમાંથી ભાજપ એક માત્ર એવું સંગઠન છે જેણે પેમ્પલેટ વહેચનાર અને પાર્ટીના કાર્યક્રમોમાં પડદા લગાવનાર એક નાના કાર્યકર્તાને કેન્દ્રીય મંત્રી અને પક્ષનો અધ્યક્ષ બનાવ્યો છે અને આ પાર્ટીએ એક ગરીબ પરિવારના ચાય વેચવાવાળાને આ દેશનો પ્રધાનમંત્રી બનાવ્યો છે. અને વિશ્વ નેતા બનાવ્યો છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન આતંકવાદ, નક્સલવાદ અને ઘૂસણખોરો સાથે કડકાઈથી કામ કરીને સમગ્ર દેશને માત્ર સમૃદ્ધ જ નહીં પરંતુ સુરક્ષિત પણ બનાવ્યો છે. શાહે કહ્યું, જ્યારે ચીને ડોકલામમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સમગ્ર વિશ્વ આતુરતાથી જોઈ રહ્યું હતું કે આગળ શું થશે.