Western Times News

Gujarati News

MODI@20 પુસ્તકમાં નરેન્દ્ર મોદીની ૨૦ વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો છે

Ø  યુદ્ધના ઇતિહાસકારો એ ભવિષ્યમાં લખવું પડશે કે ફક્ત સફેદ ઝંડો નહીં, પરંતું ત્રિરંગો જો હોય તો પણ કોઈને મરાય નહીં

Ø  નરેન્દ્રભાઈ મોદીની કુનેહ અને દિર્ઘદ્રષ્ટીના પરિણામે આજે ભારતની ખ્યાતી વિશ્વમાં પ્રતિષ્ઠીત થઈ છે

Ø  અનેક મુસીબતો-સંકટો, કુદરતી-માનવ સર્જીત આફતોની સામે પણ નરેન્દ્રભાઈની અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભે આગળ વધી રહયું છે

સરદાર પટેલ યુનિવર્સીટી ખાતે  “MODI@20, DREAMS, MEET, DELIVERY” પુસ્તક ઉપર વ્યાખ્યાન યોજાયું

આણંદ, સરદાર પટેલ યુનિવર્સીટીના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે  કેન્દ્રીય મત્સ્ય -પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને અને આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીનાં કા. કુલપતિશ્રી પ્રો. નિરંજનભાઈ પટેલ,

ગુજરાત યુનિવર્સીટીનાં પ્રો. વોસ્ટ ડૉ. જગદીશ ભાવસાર, સરદાર પટેલ યુનિવર્સીટીનાં કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને એમ.એસ યુનિવર્સીટીનાં સિન્ડિકેટ સદસ્ય સત્યેન કુલાબકરની વિશેષ ઉપસ્થિતિમાં “Modi @20, DREAMS, MEET, DELIVERY” પુસ્તક પર ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ પુસ્તક વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, MODI@20 પુસ્તકમાં નરેન્દ્ર મોદીની ૨૦ વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો છે, જે અન્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રના ૨૨ જેટલા મહાનુભાવો દ્વારા લેખ લખવામાં આવ્યા છે. આ પુસ્તક એ રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.

મંત્રીશ્રી રૂપાલાએ નરેન્દ્રભાઇ મોદીને કાર્યકર્તાથી લઈને વડાપ્રધાન સુધીની યાત્રાને બિરદાવતાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રૂપમાં આટલું વિરાટ વ્યક્તિત્વ આપણી સામે ઉભર્યું છે. નરેન્દ્રભાઈ જ્યારે પણ કોઈ દેશમાં પ્રવાસ કરવા જાય ત્યારે આપણને ત્યાં આખું ભારત ઉતાર્યું હોય તેવી અનુભૂતિ થાય.

તેમણે યૂક્રેન – રશિયાના યુધ્ધ દરમિયાન ભારતીયોને યૂક્રેનમાંથી સહી સલામત પરત લાવવાની વડાપ્રધાનશ્રી મોદીની મુત્સદીગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, યુદ્ધના ઇતિહાસકારોએ ભવિષ્યમાં લખવું પડશે કે, યુધ્ધના સમયમાં ફક્ત સફેદ ઝંડો નહીં, પરંતું જો ત્રિરંગો હોય તો પણ કોઈને મરાય નહીં.

છેલ્લા ૨૦ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની કુનેહ અને દિર્ઘદ્રષ્ટીના પરિણામે આજે ભારતની ખ્યાતી વિશ્વમાં પ્રતિષ્ઠીત થઈ છે, અનેક મુસીબતો, સંકટો, કુદરતી- માનવ સર્જીત આફતોની સામે પણ નરેન્દ્રભાઈની અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભે આગળ વધી રહયું છે.

ભૂકંપ બાદના કચ્છનું પૂન:સર્જનનું કાર્ય હોય કે પાણીની વિકટ પરિસ્થિતિ સામે કેવડીયાથી કચ્છની કાંધ સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હોય, નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આવા અનેક વિરાટ કાર્યો થયાં છે, એટલું જ નહી પરંતુ કોરોનાના કપરા કાળમાં પણ ભારતે તેનું સામર્થ્ય દેશ અને દુનિયાને બતાવ્યું છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન નીચે દેશ વિકાસની અનેક દિશામાં ઝડપથી આગળ વધી રહયો છે. દેશમાં પહેલા કોઈપણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું વડુ મથક નહોતુ, પરંતુ આજે ભારતમાં આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનું વડુ મથક બન્યુ છે, તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટનું આંતરરાષ્ટ્રીય સેન્ટર પણ દેશમાં બનવા જઈ રહયું છે. એટલું જ નહી પરંતુ જામનગર ખાતે આયુર્વેદીક યુનિવર્સીટીને વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્યતા પ્રાપ્ત થઈ છે. વિશ્વના માનસપટમાં ભારત તરફ જોવાની નજર નરેન્દ્રભાઇ મોદીએ બદલાવી છે.

આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ અને પ્રો. વોસ્ટ ડૉ. જગદીશ ભાવસારે પ્રસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના અંતમાં કુલસચિવ શ્રી ભાઈલાલભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમ અગાઉ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસરો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.