Western Times News

Gujarati News

 ‘મોદી@20: સપના થયા સાકાર’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન થશે

પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે

‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20:સપના થયા સાકાર’નું ૧૭મી ઓક્ટોબર, 2022ના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિમોચન  કરશે.  આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે.

ગત વર્ષ 2021માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારના પ્રધાન સેવક તરીકે સતત ૨૦ વર્ષ પૂરા કર્યા છે. મોદી@20 પુસ્તક ૨૦ વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું રસપ્રદ પુસ્તક છે, જેમાં તેમના સેવેલા સપનાઓની ‘સ્વપ્નથી સિદ્ધિ’ સુધીના પ્રયાણની સફર આદર્શ રીતે વર્ણવવામાં આવી છે.

પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે. પુસ્તકમાં ગુજરાત અને ભારતને “કલ્યાણ રાજ્ય” બનાવવાની દિશામાં પ્રધાનમંત્રીએ જે ભગીરથ કાર્ય આદર્યું છે તેનું તાર્કિક વિગતો સાથે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક એવા સ્વપ્નદ્રષ્ટા માનવ વિશે છે જેમણે દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાના આયોજનને દરેક આફતને અવસરમાં બદલીને ભારત અને વિશ્વને નવી રાહ ચીંધી છે.

પુસ્તકમાં રાષ્ટ્રીય-વૈશ્વિક કક્ષાના વિવિધ બિંદુઓ ઉપર કુલ પાંચ વિભાગો છે. જેમાં ભારતના ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઇ  શાહ, વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર      શ્રી અજિત ડોભાલ,  અર્થશાસ્ત્રી  શ્રી અરવિંદ પનગઢિયા, અભિનેતા શ્રી અનુપમ ખેર, બ્યુરોક્રેટ્સ શ્રી નૃપેન્દ્ર મિશ્રા, પર્યાવરણવિદ અને આધ્યાત્મિક ગુરુ શ્રી સદગુરુ,  ભારતરત્ન સ્વ. ડૉ. લત્તા મંગેશકરજી, સમાજસેવિકા શ્રી સુધા મૂર્તિ અને બેડમિન્ટન સ્ટાર શ્રી પી.વી. સિંધુ સહિત વિવિધ ક્ષેત્રના ૨૨ પ્રબુદ્ધો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વના વિવિધ પાસાઓ પ્રસ્તુત કરાયા છે.

પુસ્તકના પ્રથમ ભાગમાં શ્રી મોદી શાસનની સામાજિક અસરોનું તલસ્પર્શી વર્ણન કરાયું છે. બીજા ભાગમાં રાજકીય અને સાંસ્કૃતિક અસરો, ત્રીજા ભાગમાં અર્થશાસ્ત્ર અને ચોથા ભાગમાં શ્રી મોદી સરકારના વિવિધ પાસાઓનું વર્ણન કરતું ગુડ ગવર્નન્સ મોડલ, નાગરિક જોડાણ અને ટેક્નોલોજીનો ઉપયોગ જ્યારે પાંચમાં અને અંતિમ ભાગમાં ભારતની વસુધૈવ કુટુંબકમ્ ભાવના ચરિતાર્થ કરવાની પરિભાષા સુપેરે અંકિત કરવામાં આવી છે.

‘ભારતના ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે શ્રી નરેન્દ્રભાઈ મોદીના 20 વર્ષના સફરના રાજનીતિક લક્ષ્યાંક અને દેશની રાજનીતી વિશે વર્ણવ્યું છે. શ્રી શાહે પુસ્તક વિશે કહ્યું છે કે ‘‘આ પુસ્તક રાજકારણ અને રાજકીય  ક્ષેત્રમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ‘ગીતા’ સાબિત થશે. દરેક વ્યક્તિએ ખાસ કરીને ભારત-વિશ્વભરના દરેક યુવા વર્ગે આ વાંચવું જોઈએ. આ પુસ્તક જીવનના કોઈપણ સંઘર્ષ અથવા મુશ્કેલ સંજોગોનો સામનો કરવા માટે નિર્ણાયક અને આત્મવિશ્વાસનું સિંચન કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.’’

વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરે તેમના લેખમાં વડાપ્રધાનશ્રીની વિદેશ નીતિ પર લખ્યું છે કે તેમના આ ૨૦ વર્ષના  સમયગાળા દરમિયાન ભારત વિશ્વગુરુ બનવાની દિશમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.  જ્યારે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલે આ પુસ્તકમાં તેમના વિચારો રજૂ કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રનિર્માણ-સુરક્ષા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાએ ભારતની આંતરિક શક્તિમાં અડીખમ વિશ્વાસ, અનન્ય નેતૃત્વ શૈલી તેમજ મજબૂત-અસરકારક રાષ્ટ્રીય સુરક્ષા નીતિઓ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

શ્રી મોદીજીના નેતૃત્વમાં મીનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની હાઇલાઇટ્સ રજૂ કરાઇ છે. ઓપરેશન ગંગા, વંદે ભારત, દેવી શક્તિ, ઇન્દ્રધનુષ જેવા વૈશ્વિક કક્ષાના વિવિધ મિશન-ઓપરેશનનો પુસ્તકમાં દર્શાવવામાં આવ્યો છે. વધુમાં મેક ઇન ઈન્ડિયા, મુદ્રા યોજના, જ્યોતિ ગ્રામ યોજના, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ અપથી લઈ ડિજિટલ ઈન્ડિયા, ગુડ ગવર્નન્સ સહિતના વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પ્રસ્તુત પુસ્તકમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાના છેલ્લા ૩૦ વર્ષના તેમના સંઘર્ષનું અદભુત વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે તેઓ પક્ષના સામાન્ય કાર્યકર હતા ત્યારે તે મોટરસાયકલ, ઓટો અને લોકલ બસમાં મુસાફરી કરતા હતા એવા અનેક પ્રસંગો, સંઘર્ષનું રસપ્રદ વર્ણન વાચકોને મંત્રમુગ્ધ કરશે.

‘મોદી@20’ પુસ્તક સંક્ષિપ્તમાં સંદેશો આપે છે કે, માનવીએ દેશહિતમાં વિચારી  મોટા સપનાં જોવાં જોઈએ. એટલું જ નહી, પણ સપનાંને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. ‘મોદી@20: સપના થયા સાકાર’ એ માત્ર શ્રી મોદી જીવન જ નહીં પણ ગુજરાત-ભારતની વિકાસયાત્રાને પ્રકાશિત કરતો ગ્રંથ છે. નવભારત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત મોદી@20નું ગુજરાતી સંસ્કરણ એમેઝોન અને નવભારત સાહિત્યના આઉટલેટ પરથી ઉપલબ્ધ થઈ શકશે.- ઋચા રાવલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.