મોહાલી યુનિવર્સિટી કેમ્પસ છ દિવસ બંધ, બે વોર્ડન સસ્પેન્ડ
વિદ્યાર્થીનીઓએ વહીવટી તંત્ર અને યુનિવર્સિટી મેનેજમેન્ટ આ કેસને દબાવવા પ્રયત્ન ન કરે તેવી માગણી સાથે હોબાળો કર્યો
(એજન્સી)ચંદીગઢ, પંજાબના મોહાલી ખાતે આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓના કપડાં બદલતા અને સ્નાન કરતા વીડિયો વાયરલ થવાના કાંડ બાદ ભારે હંગામો જાેવા મળી રહ્યો છે.
શનિવારે સાંજે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિદ્યાર્થીનીઓ આંદોલન પર ઉતરી હતી પરંતુ ડીઆઈજીઅને પ્રશાસન દ્વારા નિષ્પક્ષ તપાસ માટે આશ્વાસન આપવામાં આવ્યું ત્યાર બાદ રવિવારે મોડી રાતે વિદ્યાર્થીનીઓએ પ્રદર્શનનો અંત આણ્યો હતો.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોસ્ટેલમાં રહેતી આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય તેના બોયફ્રેન્ડ સની મેહતાની (ઉં. ૨૩ વર્ષ) શિમલા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. પોલીસે શિમલા ખાતે એક બેકરીમાં કામ કરતા અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી છે.
વિદ્યાર્થીનીઓએ વહીવટી તંત્ર અને યુનિવર્સિટી મેનેજમેન્ટ આ કેસને દબાવવા પ્રયત્ન ન કરે તેવી માગણી સાથે હોબાળો કર્યો હતો.
આ બધા વચ્ચે યુનિવર્સિટી પ્રશાસને સર્ક્યુલર બહાર પાડીને એક સપ્તાહ માટે વર્ગ સસ્પેન્ડ કરી દીધા છે. આગામી ૨૪મી સપ્ટેમ્બર સુધી તમામ ક્લાસ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી વાલીઓ પોતાના સંતાનોને ઘરે લઈ જવા માટે પહોંચ્યા છે. જાેકે આ સમય દરમિયાન ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને સામાન્ય દિવસોની માફક કાર્યાલયમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
વાયરલ વીડિયો કાંડ બાદ યુનિવર્સિટી પ્રશાસને હોસ્ટેલના ૨ વોર્ડનને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાંથી એક વોર્ડન વાયરલ વીડિયોમાં પણ જાેવા મળ્યા હતા. તેઓ આરોપી વિદ્યાર્થીનીને વઢી રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ કેસમાં હાઈ લેવલ તપાસના આદેશ આપ્યા છે.
ચંદીગઢ પ્રશાસને વિદ્યાર્થીનીઓની તમામ સમસ્યા ઉકેલવા માટે આશ્વાસન આપ્યું છે. વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના તમામ વોર્ડન બદલવા માટે પણ માગણી કરી હતી. યુનિવર્સિટી અને પોલીસ પ્રશાસને આ કેસમાં વિદ્યાર્થીઓની એક કમિટી બનાવવા જણાવ્યું હતું.
કમિટીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે. આ કેસમાં હોસ્ટેલની એક વિદ્યાર્થીની પર કથિત રીતે અન્ય ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓના કપડાં બદલતા સમયના અને સ્નાન કરતા વીડિયો શિમલા રહેતા એક યુવકને મોકલવાનો આરોપ છે.
પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસન માત્ર આરોપી યુવતીએ પોતાનો વીડિયો મોકલ્યો હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ વાયરલ વીડિયોમાં આરોપી યુવતી પોતે શિમલા રહેતા યુવકને વીડિયો મોકલ્યા હોવાનું સ્વીકારતી અને તે યુવકનો ફોટો, તેના સાથેની ચેટ દેખાડતી જાેવા મળે છે.
આ કેસમાં યુવતી શા કારણે આ પ્રકારના વીડિયો તે યુવકને મોકલતી હતી તેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ડ્રગ્સ માટે, પૈસા માટે કે અન્ય કોઈ દબાણવશ આ કામ કરતી હતી તે તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.