કદ ઠીંગણું હોવાથી લગ્ન થતાં નથી એવી ફરિયાદ લઈ 3 ફૂટનો યુવક પોલીસ પાસે પહોંચ્યો
યુપીમાં એક યુવક તેના લગ્નને લઈને મુશ્કેલીમાં-૨૬ વર્ષીય યુવક રમઝાન પૂર્વે લગ્ન કરવા ઈચ્છે છે, પત્ની વગર ઊંઘ ન આવતી હોવાની રજૂઆત સાથે અરજી આપી
શામલી, ઉત્તર પ્રદેશનો એક યુવક તેના લગ્નને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તે યુવક શામલી કોતવાલમાં પોતાના લગ્ન કરાવવાની માંગ સાથે પહોંચ્યો હતો. આ પહેલાં તે એસડીએમથી લઇને સીએમ સુધી પોતાના લગ્ન કરાવવાની માગ કરી ચૂક્યો છે.
શામલીના કેરાના વિસ્તારમાં રહેતો અને દુકાન પર કામ કરતાં અઝીમ મન્સુરીએ પોતાના લગ્ન કરાવવા માટે અપીલ કરી રહ્યો છે. ત્રણ ફૂટનો અઝીમ મન્સુરી લગ્નની સમસ્યાને લઇને પોલીસ પાસે પહોંચ્યો હતો. ૨૬ વર્ષીય અઝીમનું કહેવું છે કે, તે પોલીસ પાસે ગયો હતો. પોલીસે કહ્યું હતું કે, યુવતી મળી જશે તો અમે તમારા લગ્ન કરાવી દઇશું.
અઝીમનું કહેવું છે કે, મારી ઇચ્છા છે કે રમઝાન પહેલા મારા લગ્ન થઇ જાય. હું ખૂબ જ હેરાન છું. પત્ની વગર મને રાત્રે ઊંઘ આવતી નથી. ઘણી વખત મેં અરજી આપી છે, પરંતુ કોઇ મારી સુનવણી કરતું નથી.
અઝીમ મન્સુરીનું કદ ઠીંગણું હોવાથી તેના લગ્ન થતાં નથી. અઝીમ મન્સુરીનું કહેવું છે કે, ઘણી વખત માંગા પણ આવ્યા પરંતુ હાઇટ ઓછી હોવાને લીધે લગ્ન થતાં નથી. અઝીમ મન્સુરી છ ભાઇ-બહેનોમાં ત્રીજા નંબરના છે. અઝીમ પાંચમાં ધોરણ સુધી ભણેલો છે. જે બાદ તે તેના ભાઇ સાથે કોસ્મેટિકની શોપ પર બેસવા લાગ્યો હતો. તેના પિતા સામાજિક કાર્યકર્તા છે. અઝીમે કહ્યું કે, તે ૨૧ વર્ષનો થયો, ત્યારથી જ તેના માતા-પિતાએ તેની માટે યુવતી શોધવાનું શરૂ કર્યું હતું.