Western Times News

Gujarati News

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજના લોકો એકજૂટ થાયઃ મોહન ભાગવત

(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ સમાજને એકજૂટ થઈ એકતા, સદ્ભાવના અને બંધુજનની લાગણી સાથે રહેવા આહ્વાન કર્યું છે. મોહન ભાગવતે નિવેદન આપતાં હિન્દુ સમાજને જાતિ, ભાષા અને પ્રાદેશિક મતભેદો અને વિવાદો દૂર કરી પોતાની સુરક્ષા માટે એકજૂટ રહેવા અપીલ કરી છે.

તેમણે જણાવ્યું કે, ‘સમાજમાં આચરણનું અનુશાસન, રાજ્ય પ્રત્યે કર્તવ્ય અને લક્ષ્ય-ઉન્મુખના ગુણો હોવા જરૂરી છે. સમાજ માત્ર ‘હું અને મારો પરિવાર’થી બનતો નથી. પરંતુ આપણા સમાજ પ્રત્યેના સર્વાંગી વિકાસ મારફત જીવનમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે.’ આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું કે, ‘સંઘનું કામ યાંત્રિક નહીં, પરંતુ વિચાર આધારિત છે. સંઘના કાર્યની તુલનામાં વિશ્વનું કોઈ કાર્ય ન આવે. સંઘની તુલના કોઈની સાથે કરી શકાય નહીં.

સંઘના સંસ્કાર સમૂહ નેતામાં, સમૂહ નેતામાંથી સ્વયંસેવકમાં અને સ્વયંસેવકમાંથી પરિવારમાં જાય છે. અને પરિવારથી સમાજનું નિર્માણ થાય છે. સંઘમાં વ્યક્તિના વિકાસની આ પદ્ધતિ અપનાવવામાં આવે છે.’ મોહન ભાગવતે કહ્યું કે, ‘વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા દેશની તાકાતના કારણે છે. ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. અને પ્રાચીન કાળથી અહીં વસી રહ્યા છે.

જો કે, હિન્દુ નામ બાદમાં આવ્યું. અહીં રહેતાં ભારતના તમામ સંપ્રદાયો માટે હિન્દુ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. હિન્દુ તમામને પોતાના માને છે અને તમામનો સ્વીકાર કરે છે. હિન્દુ કહે છે અમે સાચા છીએ અને તમે પણ તમારા સ્થાને સાચા છો. એક બીજા સાથે સતત સંવાદ કરતાં સદ્ભાવના સાથે રહો.

સ્વયંસેવકોએ દરેક જગ્યાએ સંપર્ક કરવો જોઈએ. સમાજમાં રહેલી ખામીઓ દૂર કરી સમાજને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સમાજમાં સામાજિક સમરસતા, સામાજિક ન્યાય, સામાજિક સ્વાસ્થ્ય અને શિક્ષણ, સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા આહ્વાન કરૂ છું.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.