ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરની બિગ બોસ તેલુગુમાં એન્ટ્રી
અભિનેત્રી પિતાને યાદ કરી ભાવૂક થઈ-મોનલ ફિલ્મ રેવાથી જાણીતી થઇ, ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો હતો
અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવનારી મોનલ ગજ્જર બિગ બોસ તેલુગુનો ભાગ બની છે. આ સાથે જ તેણે તેનાં ફેન્સને તેને વોટ આપવા અપીલ કરી છે. મોનલ ગજ્જર તેની સુપર હિટ ફિલ્મ રેવાથી જાણીતી થઇ છે. આ ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો છે. તેનાં સાઉથ ફિલ્મી કરિઅરની વાત કરીએ તો તેણે સાઉથમાં પણ ઘણી ફિલ્મો આપી છે અને તે તેલુગુ ભાષા પણ સુંદર રીતે બોલી શકે છે.
બિગ બોસનાં ઘરમાં એન્ટર કરનારી મોનલ સૌથી પહેલી સેલિબ્રિટી હતી. ઘરમાં એન્ટ્રી કરતાં પહેલાં તેણે શોનાં હોસ્ટ નાગાર્જૂન સાથે વાતો કરી હતી જેમાં તેણે તેની ફર્સ્ટ સેલરી અને પિતા વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેને પહેલાં કામ માટે ૪૦૦૦ રૂપિયા પગાર મળ્યો હતો જેમાં તેની માતાએ તેને ૧૦૦૦ બચાવવાની સલાહ આપી હતી.
તો પિતા વિશે વાત કરતાં મોનલે કહ્યું હતું કે તેને તે અંતિમ ક્ષણો યાદ છે જ્યારે તેનાં પિતા આ દુનિયાને છોડી હતી. આ વિશે વાત કરતાં મોનલ ઘણી જ ભાવૂક થઇ ગઇ હતી. તેણે કહ્યું કે, મે પિતાને વચન આપ્યું હતું કે, હું મારી માતા અને બહેનનું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને તેમને કોઇ વાતની કમી નહીં પડવા દઉ. તે સમયે મોનલ માત્ર ૧૫ વર્ષની હતી.
આપને જણાવી દઇએ કે, મોનલ ગજ્જર જ્યારે બિગ બોસ તેલુગુનાં ઘરમાં ગઇ ત્યારે તે પહેલી સેલિબ્રિટી હતી. એટલું જ નહીં તે ઘરમાં એન્ટર થતા જ ભાવૂક થઇ ગઇ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતાં. હવે જોવું એ રહેશે કે મોનલ આ ઘરમાં કેટલો સમય રહે છે.