પૈસો જીવન નથી પણ જીવન માટે છે
અમેરિકામાં બંને વેવાઈ પાસે લાખો ડોલર છે પરંતુ બોલવાનો પણ વ્યવહાર નથી-મારાં મમ્મી અહિયાં છે પરંતુ હું તેને મળ્યો નથી..! મોટાભાઈ મારી સાથે ક્યાં બોલે છે..!?
બે-ત્રણ દિવસ પહેલાં અમેરિકાના મેરીલેન્ડથી એક મિત્રનો ફોન આવ્યો. તેમણે ફોનમાં કહ્યું કે,” મારી પાસે અત્યારે ૧૫ જેટલા ગેસ પંપ છે. ખૂબ મોટાં મોટાં બે મોલ છે. અને તેની રોજની આવક દસ-બાર હજાર યુએસ ડોલર છે. મારાં વેવાઈને ૯૦ જેટલા ગેસ પંપ છે. મારો છોકરો શિકાગોમાં સો મિલિયન ડોલરની એક માર્કેટિંગ કંપની ચલાવી રહ્યો છે. સો મિલિયન એટલે એક હજાર લાખ યુએસ ડોલર થયાં.
ભારતીય કરન્સી આ રકમ રુ.૭-૨૦ અબજ થાય. પણ મારે મારાં વેવાઈ સાથે મારે બોલવાનો વ્યવહાર નથી. મારા છોકરા-વહુને પણ નહીં..! મારાં મમ્મી અહિયાં છે પરંતુ હું તેને મળ્યો નથી..! મોટાભાઈ મારી સાથે ક્યાં બોલે છે..!?
પિતાની અંત્યેષ્ટિમાં હું ગયેલો પરંતુ મને કોઈએ કોઈ વિધિમાં સામેલ થવા઼ં દિધેલો નહીં. ખબર નહીં…મને મારાં છોકરાં માટે પણ કોઈ ખાસ લાગણી નથી.મને એવી પણ ઈચ્છા નથી થતી કે હૂં મારાં પૌત્રને રમાડું..!”
આ સાંભળતાં સાંભળતાં મારું આંતર મન કકળતું હતું. વિહ્વળતાએ મને ઘેરી લીધો હતો.હું જાત સાથે સંવાદ કરવાં લાગ્યો.’બસ,પૈસા,પૈસા.. પૈસા.. ‘આટલું સાવ મિનિમાઈઝ જીવન છે.આપણે આટલું ભણ્યાં પછી ગણ્યાં કેમ નહીં હોઈએ..?! આ ભૌતિકતાને શું કરવાની..??જે એને રોજ સવાર પડે ને જીવલેણ પ્રહાર કરતી હોય..!?”
ગિરનારમાં અલખનો આરાધ જગાવીને, રાખને વસ્ત્ર કરી, આભને ઓઢણું અને ધરતીને બીછાનો ગણનારાં ખાખી સાધુ કે જેની આંખોમાં કરુણાં અને હૃદયમાં સંવેદનાથી સભર ગંગાજળ છે.
તે જીવનને ખરા અર્થમાં સમજે છે. સઘળું ત્યાગીને પણ જીવનમાં સવૅ ભોગવી રહ્યાં છે. આપણે ઘણીવાર અન્યોના જીવનમાં ડોકિયું કરવા માટે જગ્યા પણ છોડતા નથી.
ઇતિહાસના પાનાંઓ હોય કે સાંપ્રત મહાપુરુષોની જીવની હોય,જે ઘણો બધો ચેપ લગાડી જાય છે. પાશ્ર્યાત સંસ્કૃતિ આ બધી બાબતોમાં પાછળ પડતી દેખાય છે. આપણે તેને શિરમોર ગણીને સ્વીકારતાં થયાં છીએ,જે કમનસીબી ગણાય!
જીવન માટે પૈસા જરૂરી પરંતુ પૈસા એ જીવન નથી.એવા લોકો પણ જોયાં છે કે જેમણે જીવનભર ચકલી જેમ તણખલાં ભેગાં કરે તે રીતે સતત ભેગું કર્યું હોય અને એમ કરતાં કરતાં એ પૂરો થઈ ગયો હોય..! જીવન પૂરું થવા માટે નથી પરંતુ માણવાં,રગડવાં, રખડવાં માટે છે.
તમે જેટલો આનંદ લઈ શકો તેટલું તમારું જીવન તમે જીવી જાણ્યું છે. મીનપિયાસી કહે છે કે’ તે કોઈનું સુખ-દુઃખ પૂછ્યું તું ‘.અરે..! પોતાનું પણ જે સુખ વીસરી ગયો હોય તેની પાસે બીજાનું સુખ પુંછવાની મહેફીલ ક્યાંથી હોય ? અનેક લોકો આવી ક્ષણો રોજ બરબાદ કરી રહ્યાં છે.
જીવન એ કોઈના ગુલાબી હોઠો પર સ્મિત જોવાનો અવસર છે.આંતરડી ઠારીને આંખોને વિસ્ફારિત કરી આનંદ લૂંટવાનો મેળો છે. સૌનો સંગાથ લઇને સમૃદ્ધિની સુગંધ વહેંચવાનો ઉત્સવ છે. પરિવાર અને સમાજને આંકડા બીડીને ચાલવાની પદયાત્રા છે. એક સમાજસેવી રોજ સવારે મંદબુદ્ધિ વ્યક્તિઓની સેવા, સુશ્રુષા કરી ખાવા-પીવાનું આપે.
પોતા પાસે જે કંઈ છે તે બધુ સૌ કોઈના કલ્યાણ માટે વિસ્ફારિત કરીને પ્રસાદરુપે સૌના કરકમલોમાં મુકવાનો ભાવ લઈ તે લગભગ દોડતો રહે છે. સ્વને પણ ક્યારેક તે વીસરી જાય છે.આ ધટનાક્રમ જોઈને એક બુદ્ધિજીવી તેને એક દિવસ પૂછે છે કે’ ભાઈ તમે આ બધું રોજ આ ગાંડાઓ માટે કરો છો ?તો તમને તેમાં શું મળે છે.?’
પેલો સમાજસેવી તેની સામે જોઈ રહે છે, અને હસતો હસતો ઉત્તર આપે છે.” સાહેબ,જે તમને નથી મળ્યું તે બધું મને અહીંથી મળે છે…!!” શબ્દો પેલા બૌદ્ધિકને દઝાડી જાય છે. બસ, સુર્યાસ્ત થવાની તૈયારી છે તેમ માનીને જે જીવતો રહેશે તેનો અસ્ત સંભવ નથી.નિત્ય સુર્યોદયની તાજગી તેના નિવાણ પછી પણ સૌને પ્રકાશતી રહેશે.