વ્યાજખોરે વેપારીને ધમકી આપીને કાર પડાવી લીધી

પ્રતિકાત્મક
જસદણ, જસદણના સાણથલી ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ વોરા (ઉ.વ.૪૬) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યુવરાજ બાબુ વાળાનુ ંનામ આપી જણાવ્યું હતું કે, તેઓ નેટવસર્ફ કંપનીમાં કૃષિ વિષયક તથા હેલ્થ કેરની દવાઓનું વેચાણ કરે છે.
દોઢ વર્ષ પહેલા તેઓને નાણાંની જરૂરીયાત ઉભી થતા ગામના રણજીતભાઈ વાળા પાસેથી એક લાખ માગ્યા હતા. તેણે કહયું કે હાલ મારી પાસે રૂપિયા નથી તમે મારા ભત્રીજા યુવરાજનો કોન્ટેકટ કરો. બાદમાં ફરિયાદીએ યુવરાજ વાળાને વોટસઅપ કોલ કરી અને એક લાખ રૂપિયાની જરૂરીયાત હોવાનું જણાવેલ જેથી તેને કહેલ કે, હું તમને એક લાખ રૂપિયા આપીશ પરંતુ તમારે દર માસે ૧૦ ટકા લેખે વ્યાજ ચુકવવું પડશે.
બાદ યુવરાજ વાળા ઘરની પાછળની શેરીમાં ભેગા થયેલા અને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા તેમજ નકકી થયા મુજબ તેને એક કોરો ચેક સહી કરી આપ્યો હતો. એકાદ મહીના બાદ તેને વ્યાજના દશ હજાર ગુગલ પે કરી આપ્યા હતા. બે મહિના બાદ ફરીથી વ્યાજના રૂપિયા ર૦ હજાર ગુગલ પે કરી આપેલ હતા.
બાદ તેઓની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતા યુવરાજને વ્યાજની ચુકવણી કરી શક્યા ન હતા તેમણે કહયું કે તમે મારા રૂપિયા દયો નહીં આપો તો ગામ વચ્ચે જ ટાટીયા ભાંગી નાખીશ તેમ કહેતા તેઓ ડરી ગયેલ અને પોતાની કાર આપી દીધી હતી જે બાદ તેનો ત્રાસ યથાવત રહેતા ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આટકોટ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.