વટવામાં રાહદારી પર વાંદરાનો હુમલો : બચકા ભરી લોહીલુહાણ કર્યા
વટવા,લાંભા અને વસ્ત્રાલમાં વાનરોનો વધતો આતંક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કૂતરા કરડવાનો ત્રાસ ઓછો થયો નથી ત્યારે વાંદરા કરડવાના કેસ સતત બહાર આવી રહ્યા છે. ખાસ કરીને, વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં વાંદરા કરડવાના કેસ સતત વધી રહયા છે. ગુરુવાર વહેલી સવારે વટવા વોર્ડમાં આવો જ એક કેસ બહાર આવ્યો છે.
શહેરના વટવા વોર્ડમાં ઓશિયા હાઇપર સામે આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ 4 પાસે ગુરુવાર સવારે 7-30 વાગે એક આધેડવય ની વ્યક્તિને વાંદરા એ પગના ભાગમાં બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બે વાંદરા ઓનો આતંક વધી રહ્યો છે.અને આવતા-જતા નાગરિકો પર હુમલો કરી બચકા ભરે છે. આવી જ પરિસ્થિતિ લાંભા ગામમાં પણ છે. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા વસ્ત્રાલ વોર્ડમાં પણ વાંદરાઓએ આતંક મચાવ્યો હતો અને 10 કરતા વધુ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.