અમદાવાદ શહેરના કોટ વિસ્તારોમાં કપિરાજનો આંતક ?
ર૦ર૪ના વર્ષમાં વસ્ત્રાલ-લાંભામાં વાંદરાઓની ટોળીનો કહેર યાદ છે ને ?-અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં હજુ પણ વાનર સેનાનું આધિપત્ય, શહેરમાં ૪૦૦૦ કરતાં વધુ કપિરાજોના ટોળાં
(પ્રતિનિધિ) અમદાવાદ, ર૦ર૪નું વર્ષ કેટલીક ખાટી-મીઠી યાદો સાથે પૂર્ણ થયું. અમદાવાદમાં અમુક એવી ઘટનાઓ ઘટી કે તેનાંથી આશ્ચર્ય થાય કે આવુ કંઈ રીતે બને. યાદ છે ને વસ્ત્રાલ, લાંભામાં વાંદરાઓના બચકાં ભરવાનાં બનાવો. વસ્ત્રાલની ચાર-પાંચ સોસાયટીઓમાં કપિરાજોએ જાણે કે આતંક ફેલાવ્યો હતો. સોસાયટીના રહીશો બહાર નીકળતા ફફડતા – વાંદરાઓએ બાળકોને બચકાં ભર્યા હતા. Monkey gang terror in the fortified areas of Ahmedabad city?
હાલમાં પણ પાલડી, આંબાવાડી, મીરજાપુર, ઘીકાંટા, વટવા સહિતનાં વિસ્તારોમાં વાંદરાના ટોળા જોવા મળે છે. વાંદરાઓ વાહનો પર કુદકા મારે છે ઘરના આંગણમાં રહેલ ફુલછોડનો સોથ વાળી દે છે તેને લઈને અમુક કોમ્પલેક્ષોમાં તો દિવાલો પર કાંટાળા વાયરો નંખાવી દેવામાં આવ્યા છે, તો કપિરાજોના ટોળાને ભગાવવા ફટાકડાના બોમ્બ ફોડવામાં આવે છે.
ધાર્મિક ભાવના સાથે સંકળાયેલો મામલો હોવાથી લોકો વાનરોને ખાવાનું આપે છે પછી ફરીથી તેને ખાવાનું ન મળે તો તોફાન મચાવે છે તેવું જોવામાં આવ્યું છે. નાગરિકો પર ઘાતક હુમલો કરતા વાંદરાઓને પકડવા માટે શહેરના નાગરિકોએ રાજયના વન વિભાગની મદદ લેવી પડે છે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી છે.
ચાલુ વર્ષે પણ વાંદરાઓનો આતંક યથાવત રહેવા પામ્યો છે. હાલ કોર્ટ વિસ્તારમાં વાંદરાઓએ કાળોકેર વર્તાવ્યો છે રસ્તા પર ચાલતા જતા રાહદારીઓ કે બાળકોની પાછળ વાંદરાઓ દોટ મુકે છે. જાણવા મળ્યા મુજબ એક કપીરાજે કોર્ટ વિસ્તારમાં ઘણા લોકોને બચકાં ભર્યા હોવાના બનાવ બન્યા છે. એક વ્યક્તિને કપીરાજે બચકું ભરતા ૧૮ ટાંકા લેવા પડ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહયું છે
ખાસ કરીને વહેલી સવારે વાંદરાઓનો આંતક વધુ જોવા મળે છે. સવારે દૂધ લેવા જતી વખતે મહિલાઓ તથા પુરૂષો રીતસરના ફફડતા હોય તેવું હાલ કોર્ટ વિસ્તારમાં જોવા મળી રહયું છે. સ્થાનિકોની માંગણી છે કે વહેલી તકે તંત્ર આ વાનરને પકડી પાંજરે પુરે જેથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા બચે.
અમદાવાદમાં વાંદરાઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ર૦૧૮મા એક અંદાજ મુજબ ર૦૦૦ જેટલા વાંદરા હતા તે પાછળથી વધીને ૪૦૦૦ સુધી પહોંચ્યા છે આ એક અંદાજીત આંકડો છે પરંતુ હકીકત એ છે કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગયા વર્ષે વાંદરાઓના ટોળાએ કાળોકેર વર્તાવ્યો હતો.
વસ્ત્રાલ-લાંભામાં તો વાંદરા બચકા ભરતા હતા તેને કારણે સ્થાનિકોને હાથમાં દંડા લઈને ફરવું પડતુ હતું. ગયા વર્ષે વાંદરાના બચકા ભરવાના કેસમાં ૧૦૦ ટકા વધારો થયો હતો. ર૦ર૪ના વર્ષમાં વાંદરા દ્વારા બચકાં ભરવાના કેસ ખાસ્સા એવા વધ્યા હતા જે લગભગ ૩૦૦ કરતા વધુ હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં વાંદરા પ્રમાણમાં ઓછા હેરાન કરે છે અમદાવાદ શહેરની વાત કરીએ તો આસપાસ વિસ્તારોમાં માનવ વસાહતો વધી, જમીનોનું વેચાણ વધતા જંગલ વિસ્તાર એકંદરે ઓછો થતા ખોરાકના અભાવના પીડાતા વાનરોએ શહેરની વાટ પકડી.
શહેરમાં તેમને સરળતાથી બિÂસ્કટ, ભાખરી, ફળ-ફળાદી લોકો આપતા હોવાથી તેમાંથી મોટી સંખ્યામાં વાનરોના ટોળાઓએ પોતાના ડેરા તંબુ બાંધી દીધા છે. પરિણામે અત્યારે તો મોટી સંખ્યામાં કપિરાજો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળશે.
અમદાવાદ શહેરમાં વાંદરાઓનો ત્રાસ વધી રહયો છે પરંતુ દુઃખદ બાબત એ છે કે સ્માર્ટ સીટી પાસે વાંદરા પકડવા માટેની કોઈ સત્તા કે સાધન નથી વાંદરાઓને પકડવા માટે નાગરિકોએ રાજયના વન વિભાગમાં ફરિયાદ કરવી પડે છે. મોટાભાગના નાગરિકો પાસે વન વિભાગના જવાબદાર અધિકારીઓના નંબર હોતા નથી તેથી જો મ્યુનિ. કોર્પોરેશન આ મામલે નોડલ એજન્સી તરીકે કામ કરે તેના ૧પપ૩૦૩ પર ફરિયાદ નોંધી વન વિભાગને મોકલી આપે તો કામ સરળ બની શકે છે.