ચોમાસાએ સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓની હાલત બગાડી નાંખી
હિંમતનગર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતીની બેઠક યોજાઈ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે,
ત્યારે અમુક જગ્યાએ રસ્તાઓ ઉપર ખાડા પડવાથી લોકોને મુશ્કેલી સર્જાતિ હોઈ રસ્તાઓની મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ શાળાના જર્જરીત ઓરડાઓ દૂર કરી બાળકો માટે શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા અંગે ચર્ચા કરી હતી
તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે અંગે જણાવ્યું હતું. આ બેઠકમાં જમીન સંપાદન, દબાણ, ટ્રાફિક, ગૌચરની જમીન અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ પેન્શન કેસની ગાઈડલાઈન મુજબ નિયત સમયમાં પેન્શન ધારકોને નિયત સમયમાં તેમના લાભો મળે
તે દિશામાં કામગીરી કરવા કલેકટરે સૂચન કર્યું હતું. તેમજ રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાયોજના વહીવટદાર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.