પાંસઠ વર્ષની રામનામ યાત્રાનું ત્રિસત્ય: મોરારિબાપુ

મોરારિબાપુ વિશે ધારણાઓ બાંધી લેવી અને તેનાથી તમારા મતને ઘડવો તે બાલીશતાનો એક પ્રકાર છે. આપણે તેને રોકી શકીએ નહીં પરંતુ બાપુના રામતત્વ દર્શનને નજીકથી નીરખીને તેને ઓળખવાની કોશિશ તો કરો
રામનામને પરખ્યું તેના મારા ત્રણ અનુભવો કહેવા છે. કદાચ આજે જે રીતે મહુવામાં મુખર થઈને આ વાત કરી રહ્યો છું,તે કદાપી જાહેરમાં મુકી નથી.કોઈ મને હવે 65 વર્ષના મારાં રામનામના ગાન પછી પુછે કે તમે તેમાંથી કોઈ તત્વ કે અનુભવને તારવીને શું કહેશો ? તો હું ત્રણ મુખ્ય વાત કહેવાનું પસંદ કરું.કોઈપણને જ્યારે પ્રત્યક્ષ રીતે મળવાનું થાય ત્યારે સૌથી પહેલાં આપણે તન નથી મળતા હોઈએ છીએ.
એટલે કે આપણે આપણાં શરીરથી એકબીજાને મળીએ છીએ અને પછી એ મુલાકાત ધીમે ધીમે જો વધે તો મન સુધી જાય છે.પણ અહીં કહેવું જોઈએ કે સૌથી પહેલા આપણે જો મનની વાત કરીએ તો આપણાં સુરતના કવિ ગની દહીંવાલા કહે છે તેમ “ન ધરા સુધીના ગગન સુધી આપણે તો જવું હતું એક મેકના મન સુધી” અને પછી ત્યાંથી આગળ જઈને ‘ન ઉન્નત ન પતન સુધી’ની વાત પણ તેમાં આવી જાય છે.
હું જીવનમાં સદભાવનાઓ,દૂર્ભાવનાઓ બધું અમારા ગામની નદી ‘રુપાવા’માં વહેવડાવી દઉં છું.મારે તો એ બધું આવે,પણ મારાં શ્રોતાઓ પણ ક્યાં તેમાંથી મુક્ત થઈ શકે છે.
માણસ એ માણસ સુધી પહોંચ્યો નથી.આપણે સંબંધોમાં પહોંચ્યા છીએ,પરંતુ પ્રેમમાં પહોંચ્યા નથી. વિનોબાજી કહે છે તેમ ગુણનું સંકીર્તન કરવું. આપણાં ગુણોને પણ આપણે શા માટે ન શણગારી શકીએ?!
એક કિસ્સામાં શાયર એ મુશાયરામાં મોડાં પડે છે અને કોઈની સાથે રસ્તામાં મુલાકાત કરીને આસક્ત થાય છે.પણ તુલસીદાસજી કહે છે કે રસ્તામાં મળે તેની સાથે આસક્તિ ન હોવી જોઈએ.કોઈપણ ધંધો પોતાની શક્તિથી વધુ દેવું કે કર્જ કરીને ન કરવો જોઈએ.મારું જીવન એ હરિ નામ આહાર છે. તેથી જેને સદાય ભજનનો આહાર હોય તે મનથી પ્રફુલ્લિત રહે.ગંગા સતી પણ એ ભજન આહારને અનુમોદિત કરે છે.રામનું નામ લેતો રહું છું અને રામના કામ કરતો રહું છું.
હા, લંકાકાંડની જ્વાળાઓ કદાચ તેથી જ જરાય સ્પર્શ કરી શકતી નથી.”ઈશ ભજ સારથી સુજાના”.ધૈર્ય અને શોર્ય ટકાવવા જોઈએ,જે ધૈર્ય રાખી શકે એ જ શોર્ય કહેવાય. ઉર્જા અને ઉત્સાહ ઘટવો ન જોઈએ.ગીતા કહે છે ‘ઈન્દ્રિયાણા મનચ્શ્રાસ્મિ’ ઈન્દ્રિયોમાં મન હું છું. તેથી રામનામ મનને ભર્યું રાખે છે.
બીજી શરીરની વાત કરીએ તો મને રામ નામની 65 વર્ષની યાત્રામાં થાકનો અનુભવ થયો નથી.જેમની પાસે દ્રષ્ટિ હશે તે જરૂર જોઈ શકશે કે આજે પણ તન થાક્યું નથી.હમણાં જ હું આર્જેન્ટીનાની 30 કલાકની હવાઈ મુસાફરી કરીને તલગાજરડા પહોંચ્યો.પરંતુ થાકનો અનુભવ નથી થયો.મુસાફરી કરતાં એક વડીલ મને મારી ચિંતા કરતાં હંમેશા કહે કે બાપુ, આ ગોળી લઈને સુઈ જાવ.
અરે, હું કહું કે મને મારી માંએ એ બાળાગોળી આપી છે કે જેનું નામ રટતા રટતા ક્યારે ઊંઘ આવી જાય ખ્યાલ નથી રહેતો.આજે 80 વર્ષે પણ હું ખૂબ સ્ફૂર્તિથી કરતાલ પણ વગાડી શકું.ખાવા પીવાની વાત છોડો પરંતુ મારું બધું જ એ હરિ નામ છે માટે શરીરમાં સ્ફૂર્તિ દેખાઈ રહી છે.
ત્રીજું સત્ય આત્મા છે.આત્માની વિશેષ જાગૃતિ, આત્મજ્યોતિનો પ્રકાશ રામનામથી અનુભવાય છે. “આતમ અનુભવ સુમરું પ્રવાસા” રામનામથી આત્મ પરિચય થવા માંડે છે.
રામને પ્રેમ અને ભક્તિથી ઓળખી શકાય બુદ્ધિથી નહીં.તર્ક,વિતર્કો કરીને ઘણીવાર આપણે અમૃત પીધા વગર જતાં રહીએ છીએ. જીવન અનેક રીતે અભાવમાં વીત્યું તો પણ તેનો રંજ નથી.જીવનમા દ્રઢ ભરોસો તેના પર સતત રહ્યો છે. નાનપણમાં અમારા ઘેર સત્યનારાયણની કથા કરવાની હતી અને મને તાવ આવી ગયો. કથા સાંજે હતી પરંતુ બપોરથી માંએ રામનામનું રટણ શરૂ કર્યું અને સાંજ પડતા તાવ ગયો.આ વાત કોઈ ચમત્કારમાં ન લેતા, આપણે ચમત્કાર કે અંધવિશ્વાસને અનુમોદન આપતા નથી.પણ જીવનના ભરોસાને જરૂર યાદ રાખીએ છીએ.
પરમાત્મા એ ચોથું કેન્દ્ર છે. પરંતુ તે તરફ આપણે નથી જવું અને તે મેળવ્યાની કોઈ સેખી કે ફાંકો પણ નથી મારવો. કારણ કે હું કોઈને છેતરી ન શકું અને એમ પણ મારાં શ્રોતાઓને તો નહીં જ!! સત્ય જ્યાંથી મળે ત્યાંથી મેળવી લેવું.” કૃતાર્થ લભ્યતે”. બધું તે કરે ,તેથી રામનામ અભંગ છે તે ક્યાંય ભંગ પડવા દેતું નથી.
(મહુવાના પ્રેમભિક્ષુજી પ્રેરિત અંખડ સંકિર્તન વાર્ષિક દિન તા. 12-4-25 હનુમાન જયંતિએ આપેલ પ્રવચનથી સંકલિત) -સંકલન .. તખુભાઈ સાંડસુર.. વેળાવદર