મોરબી બ્રિજ દુર્ઘટનાઃ SITનો ફાઇનલ રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ મુકાશે
(એજન્સી)મોરબી, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીનો મચ્છુ નદી પર આવેલ ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. આ હોનારતમાં કુલ ૧૩૫ લોકોના મોત થયા હતા. જેમાં ૨૧ બાળકો હતા.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પીટીશન દાખલ કરી હતી. આ કેસમાં કુલ ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને બે ટિકિટ ચેકરને હાઇકોર્ટમાંથી જામીન પણ મળી ચુક્યા છે.
આજે સુઓમોટો પિટિશન મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ મુદ્દો સુપ્રિમકોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેમાં પીડિત પક્ષ તરફથી આ કેસમાં ઝ્રમ્ૈં તપાસની માગ કરવામાં આવી હતી. યોગ્ય સમયાંતરે સતત સુનવણીની માગ કરવામાં આવી હતી. મૃતકોને વળતરની વાત હતી. ઉપરાંત જવાબદાર એજન્સી અને લોકોની જવાબદારી ફિક્સ કરવાની વાત હતી.
આજની સુનવણીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ હોનારત મુદ્દે SITનો ફાઇનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકાશે. પીડિત પક્ષે જણાવ્યું હતું કે, વચગાળનો SITનો રીપોર્ટ તેમને અપાયો નથી. તે સીલ કવરમાં હતો. જ્યારે ચીફ જજે કહ્યુ હતું કે ફાઇનલ રીપોર્ટ સીલ કવરમાં નહીં રખાય તે તમામ પક્ષકારોને અપાશે.
પીડિતોને વળતર મુદ્દે સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી રીલીફ ફંડમાંથી ૪ લાખ રૂપિયા, પ્રધાનમંત્રીના ભંડોળમાંથી ૨ લાખ રૂપિયા અને રાજ્ય સરકારે વધુ ૪ લાખ રૂપિયાની સહાય એમ મળીને સરકાર તરફથી ૧૦ લાખ રૂપિયાની સહાય મૃતક દિઠ કરાઈ છે.
ઉપરાંત મૃતક દિઠ ૧૦ લાખ રૂપિયા ઓરેવા કંપની તરફથી ગુજરાત લીગલ એઈડ સર્વિસમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં મૃતકોને કુલ ૨૦ લાખ રૂપિયા વચગાળાનું વળતર અપાયું છે. ઘાયલોને ૨ લાખ રૂપિયા વળતર અપાયું છે.