Western Times News

Gujarati News

મોરબીમાં આખલા સાથે અથડાયા પછી ડમ્પર કાર પર પડતાં ત્રણ યુવકનાં મોત

(એજન્સી)મોરબી, માર્ગો પર રખડતા ઢોરના કારણે ઘણીવાર ગંભીર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે. આજે સવારે વાંકાનેરથી મોરબી તરફ ડમ્પર આવતું હતું ત્યારે ડમ્પરની આડે આખલો ઉતર્યો હતો. ડમ્પર આખલા સાથે અથડાતા ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી તે પલટીને સામે રોડ પરથી નીકળેલી કાર પર પડ્યું હતું.

આ અકસ્માતમાં કારના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિના મોત નીપજયાં છે. જ્યારે મહિલા અને તેની દીકરીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.
આજે સવારે મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર વાંકાનેર તરફથી ડમ્પર આવી રહ્યું હતું. જે પલટી મારીને વાંકાનેર તરફ જઈ રહેલી આર્ટિકા કાર ઉપર પડતા આ અકસ્માતનો બનાવ બન્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગમખ્વાર અકસ્માતના આ બનાવમાં મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા તુષાર બાલુભાઈ માલવિયા (ઉ.૩૦), જાબુઆના રહેવાસી વરૂણભાઇ ઉર્ફે ગુડ્ડુ વાસકલે (ઉ.૨૮) અને મધ્યપ્રદેશના રહેવાસી મહેશ સિંગાર (ઉ.૨૩) નામના ત્રણ યુવાનોના મોત નીપજયાં છે.

આ બનાવમાં સુવિધાબેન તુષારભાઈ માલવીયા (ઉ.૨૪) અને તેની દીકરી દીના તુષારભાઈ માલવીયા (ઉ.૯)ને ઈજા થયેલી હોવાથી ૧૦૮ દ્વારા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે,આર્ટિકા કાર મોરબી તરફથી વાંકાનેર બાજુ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. એ વખતે વાંકાનેર બાજુથી ડમ્પર મોરબી તરફ આવી રહ્યું હતું.

દરમિયાન બંધુનગર ગામ પાસે તે ડમ્પર પહોંચ્યું હતું અને તે ઓવર સ્પીડમાં હોવાથી ડમ્પરની આડે આખલો આવતા ડમ્પરના ચાલકે વાહનના સ્ટેરીંગનો કાબૂ ગુમાવ્યો હતો. એ પછી વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું. આ દુર્ઘટનામાં મોરબીથી સુરત જઈ રહેલું દંપતી ખંડિત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.