મોરબી દુર્ઘટનાની પારદર્શક તપાસ કરવા મોદીનો આદેશ
મોરબી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઃ મુખ્યમંત્રી અને મંત્રીઓ-વરિષ્ઠ સચિવો-જિલ્લા વહિવટીતંત્ર સાથે ઉચ્ચસ્તરિય બેઠક યોજી મહત્વપૂર્ણ સૂચનો કર્યા
(એજન્સી)મોરબી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેઓ આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત હતભાગીઓને પણ હોસ્પિટલમાં મળ્યા હતા અને તેમની સારવાર-સુશ્રુષાની માહિતી ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને જાણી હતી.
વડાપ્રધાનએ મોરબીમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સચિવો અને જિલ્લા વહિવટી તંત્ર સાથે યોજીને આ દૂર્ઘટના સંદર્ભમાં મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
વડાપ્રધાનએ આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ઝીણવટ પૂર્વક તપાસ થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશ આપતાં કહ્યું કે, આ તપાસમાં બધા જ સંબંધિત વિભાગો અને સંબંધિત એજન્સીઓ તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે.
એટલું જ નહિ, તપાસ સંદર્ભમાં જરૂરી બધો જ ડેટા પણ ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનએ આ દૂર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત લોકોના અસરગ્રસ્ત પરિવારો તથા ઇજાગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ સદભાવ દાખવી બધી જ જરૂરી મદદ-સહાય ત્વરાએ મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનો કર્યા હતા.
વડાપ્રધાનએ આ દૂર્ઘટનામાં બચાવ-રાહત કામગીરીથી લઇને જે પણ રાહત-સારવાર સહિતની કાર્યવાહી થઇ છે તેનું વિસ્તૃત વિવરણ કરતું ડૉક્યુમેન્ટેશન તૈયાર કરવા સૂચવ્યું હતું.
આવું ડૉક્યુમેન્ટેશન ભવિષ્યમાં સંભવિત આપદા પ્રબંધન માટે કે કોઇ આપત્તિના નિવારણમાં બચાવ-રાહત માટે રાજ્ય સરકાર અને વહિવટીતંત્રને ઉપયોગી થઇ શકે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન સાથેની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રમ રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, મોરબીમાં ખાસ ફરજ પર મોકલવામાં આવેલા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, મોરબી તથા રાજકોટના જિલ્લા કલેકટરઓ અને પોલીસ અધિક્ષક સહિત સંબંધિત અધિકારીઓ જાેડાયા હતા.