મોરબીના સોખડા ગામે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપર 11 શખ્સોનો હુમલો

AI Image
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કર્યાનો ખાર રાખી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ
મોરબી, મોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કર્યાનો ખાર રાખી મહિલાઓ સહિત ૧૧ શખ્સે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ ચેરમેનના પુત્ર, પુત્રવધૂ અને પત્નીને લાકડી વડે માર મારી ખિસ્સામાંથી રોકડ અને મોબાઈલ લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના સોખડા ગામે રહેતા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણાએ આરોપીઓ મનસુખ લાભુભાઈ સુરેલા, મેહુલ લાભુભાઈ સુરેલા, અનિલ દિલીણભાઈ, અરવિંદ દિલીણભાઈ, રાકેશ દિલીપભાઈ, વિજય રામસુરભાઈ, રમેશ રામસુરભાઈ, મહેશ ભીમજીભાઈ, મનસુખભાઈના પત્ની, દિલીપભાઈ લાભુભાઈના પત્ની અને પ્રવિણભાઈ ભીમજીભાઈના પત્ની રહે બધા સોખડા વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયું છે કે, ફરિયાદી રમેશભાઈએ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી આરોપી મનસુખ, મેહુલે બોલાચાલી કરી ગાળો ઝપાઝપા કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા તેમજ અનીલ લાકડાના ધોકા વડે આવી ફરિયાદી તેમજ વસંતભાઈને લાકડાના ધોકા વડે મારી ઈજા કરી દિકરા પ્રકાશને પકડી રાખી માથા અને પગના ભાગે ઈજા કરી લોખંડ ટામી વડે મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ફરિયાદીના પત્ની મુરીબેન અને પુત્રવધૂ ધારાબેનને લાકડીઓ વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી મનસુખે ફરિયાદી રમેશભાઈના ખિસ્સામાં રહેલ ઓપો કંપનીનો મોબાઈલ, રોકડ રૂપિયા આશરે પાંચેક હજાર લઈ ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.