હાઈકોર્ટએ મોરબી દુર્ઘટના માટે તંત્રની ઝાટકણી કાઢી

(એજન્સી)રાજકોટ, મોરબીની ગોઝારી દુર્ઘટનાને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર મોરબી નગરપાલિકાની ઝાટકણી કાઢી છે. સસ્પેન્શન બ્રિજની બિસ્માર હાલતને લઈને અંજતા મેન્યુફેક્ચરિંગ કંપનીએ આપેલી ચેતવણી સામે આંખ આડાકાન કરીને ટિકિટના ભાવને મહત્વ આપવા બદલ હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને ઠપકો આપ્યો છે.
હાઈકોર્ટના નિર્દેશોને આધારે નગરપાલિકાએ બ્રિજની જાળવણી, સંચાલન, નિયંત્રણ અને તેમાંથી આવક ઊભી કરવા સત્તાધીશો અને કંપની વચ્ચે થયેલા કરારની વિગતો આપતી એફિડેવિટ કરી હતી. જાેકે, હાઈકોર્ટે નોંધ્યું કે, ૧૬ નવેમ્બરે માગેલી કેટલીક વિગતો એફિડેવિટમાં આપવામાં આવી નથી.
૨૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અજંતાએ લખેલો પત્ર હાઈકોર્ટે ટાંક્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, સર, સસ્પેન્શન બ્રિજની હાલત ગંભીર હોવાથી અમે કામચલાઉ રિપેરિંગ હાથ ધરી રહ્યા છીએ એ વાતથી તમે અવગત છો.