વધુને વધુ પશુચિકિત્સકો લમ્પી ગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે: પૂરતી વેક્સિન ઉપલબ્ધ

લમ્પી સ્કિન ડિસિઝ સંદર્ભે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે હાથ ધરેલી કામગીરીથી પશુપાલકો પણ આશ્વસ્ત થયા છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને ગૌવંશમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસિઝ – ગાંઠદાર ત્વચા રોગના પ્રતિકારના પગલાં અને આગોતરી કામગીરી માટે રાજ્ય સરકારે મિશન મોડ પર કરેલી કામગીરીથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે મોરચો સંભાળ્યો છે અને વિશેષ અસરગ્રસ્ત કચ્છ જિલ્લામાં ગૌવંશના પશુઓમાં રસીકરણની કામગીરી તાકીદે કરવામાં આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, કચ્છના પશુપાલકો-ખેડૂતોના પ્રતિભાવો પણ મળી રહ્યા છે, પશુપાલકો પણ રસીકરણની કામગીરીથી સંતુષ્ટ છે. જે પશુઓની સારવાર અને રસીકરણ કરવામાં આવી રહ્યું છે એ પશુઓને જીવતદાન મળી રહ્યું છે. આગોતરા રસીકરણથી રોગ ફેલાતો અટકી રહ્યો છે. આ કામગીરીથી પશુપાલકો આશ્વસ્ત થયા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવન ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર સાથે લમ્પી સ્કિન ડિસિઝ સંદર્ભે થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
ગાયમાતા અને ગૌવંશના જતન માટે સતત ચિંતિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી તથા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સતત સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરિયાત પ્રમાણે યોગ્ય પગલાં લેવાઈ રહ્યા છે.
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વેટરનરી ડૉક્ટર્સ અને લાઈવસ્ટોક ઓફિસર્સ કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને હજુ વધુ વેક્સિન ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એનડીબીના નેતૃત્વમાં અન્ય ડેરીઓ અને ઉત્તર ગુજરાતની મોટી ડેરીઓ પોતપોતાના જિલ્લાઓમાં પશુઓના વેક્સિનેશનની જવાબદારી સંભાળી રહી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના કોઢાર અને આસપાસના વાતાવરણમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
પશુપાલકોમાં જાગૃતિ ફેલાય, લમ્પી સ્કિન ડિસિઝ વિશે પશુપાલકો વધુ માહિતગાર થાય અને રોગચાળો ફેલાતો અટકે એ માટે પશુપાલકોને સતત શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. વધુને વધુ પશુપાલકો જાગૃત થાય એ માટે રાજ્યપાલશ્રી એ પશુપાલકોને પણ અપીલ કરી હતી. કચ્છ-સૌરાષ્ટ્રના પશુપાલકો પણ પશુઓના ઈલાજ માટેના રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહયોગ કરી રહ્યા છે. રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે હાથ ધરેલા પ્રયત્નોથી પશુઓની યોગ્ય સારવાર થઈ રહી છે.