આણંદ જિલ્લાની ૧૨૫ કરતાં વધારે શાળાઓ તેમજ ૧૦ જેટલી કોલેજાેમાં મતદાન જાગૃતિ અર્થે વોકેથોન યોજાઇ
(માહિતી) આણંદ, વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની ૭ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ સ્વીપના નોડલ અધિકારીશ્રી લલીત પટેલ તેમજ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે.
જે અન્વયે સ્વીપ અંતર્ગત જિલ્લાની ૧૨૫ કરતાં વધારે શાળાઓ તેમજ કોલેજાેમાં વોકેથોન યોજાઈ હતી, જેમાં સબંધિત શાળા – કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનમાં વધુને વધુ મતદારો સહભાગી બની તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને આ બાબતે મતદારોમાં જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ સાથે આણંદ જિલ્લાની શાળા – કોલેજાેમાં યોજાયેલી આ વોકેથોનમાં ૧૨૫ કરતા વધારે શાળાઓના ૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ૧૦ કોલેજાેના ૧૨૦૦ જેટલા યુવાઓ મળી કુલ ૯,૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.