Western Times News

Gujarati News

અમદાવાદમાંથી ૧પ૦થી વધુ રખડતાં ઢોરનું પાલનપુર-ડીસા તરફ સ્થળાંતર કરાયું

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા હાઈકોર્ટના નિર્દેશ બાદ શહેરમાંથી રખડતાં ઢોરને પકડવાની કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. તંત્રના ટેક્સ, નાણાં સહિતના અન્ય વિભાગોમાંથી પણ ઉચ્ચ અધિકારીઓ સહિતના કર્મચારીઓને પણ રખડતાં ઢોર પકડવાની ફરજ સુપરત કરાઈ છે.

શહેરીજનોને રખડતાં ઢોરના ત્રાસમાંથી રાહત આપવા માટે કોર્પોરેશને તેની નવી ઢો નિયત્રણ પોલિસીમાં કેટલાક અસરકારક સુધારા કર્યા છે, જે મુજબ ઢોર રાખવાનું લાઈસન્સ કે પરમિટ નહીં લેનારા પશુમાલિકોએ બે દિવસની અંદર તેમના ઢોરને શહેર બહાર ખસેડવા પડશે. જે પશુમાલિકો પાસે ઢોર રાખવાી જગ્યા નહીં હોય તેમને ઢોર રાખવાની પરવાનગી નહીં અપાય.

દરમિયાન મ્યુનિસિપલ સત્તાધીશોની આકરી નીતિના પગલે પશુમાલિકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ઓઢવ, ગોતા, બોપલ સહિતના વિસ્તારમાંથી ઢોર રાખવાની પૂરતી જગ્યા ન ધરાવતા પશુમાલિકોએ પોતાના ઢોરને શહેર બહાર સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ ૧પ૦થી વધુ ઢોરને પાલનપુર-ડીસા વગેરે શહેરોમાં સ્થળાંતરિત કરાયા છે.

મ્યુનિસિપલ સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હેઠળ પશુમાલિકોને ઢોર રાખવાની જગ્યા ન હોય તેવા કિસ્સામાં તેમના ઢોરને શહેરની હદ બહાર લઈ જવાનો આદેશ અપાઈ રહ્યો છે. આવા રખડતાં ઢોરને પશુમાલિકોએ બે દિવસમાં અન્યત્ર સ્થળાંતર કરવા પડશે, નહીંતર તંત્ર ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરી દેશે.

તંત્રની કડક સૂચના બાદ સ્વાભાવિકપણે ઢોર રાખવાની પૂરતી જગ્યા ન ધરાવતા પશુમાલિકોમાં ભારે ભય ફેલાઈ ગયો છે. ઢોર રાખવાની જગ્યા ન ધરાવતા પશુમાલિકો તંત્રની બીકના માર્યા પોતાના ઢોરને પાલનપુર અને ડીસા તરફ મોકલી રહ્યા છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ૧પ૦થી વધારે ઢોરને રાજ્યના અન્ય શહેરોમાં મોકલી દેવાયા છે.

ઓઢવ, ગોતા, બોપલ બગેરે વિસ્તારોમાંથી પશુમાલિકોએ ૧પ૦થી વધુ ઢોર રાજ્યના અન્ય શહેરોમાં સ્થળાંતરિત કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. એકલા ઓઢવમાંથી જ ૭૦ જેટલા ઢોરને અન્ય શહેરોમાં સ્થળાંતરિત કરી દેવાયા છે. ઓઢવ પાસેના કિલ્લોલનગર ખાતેથી ૪૦ અને વસ્ત્રાલના કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસેના ૩૦ રખડતા ઢોરને અન્યત્ર મોકલી દેવાની તંત્ર ફરજ પાડી છે.

રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હેઠળ આજે સવારના ૧૦.૦૦ વાગ્યા સુધીમાં સીએસીડી વિભાગે વધુ પપ ઢોરને ઝબ્બે કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડી લેવાયેલા આ ઢોરને બહેરામપુરાના ઢોરવાડા ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

દરમિયાન, મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઓઢવના ટીપી નં.૪રના ફાઈનલ પ્લોટ નં.૬રમાં આવેલા મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં પશુમાલિકો દ્વારા વર્ષાેથી બનાવાયેલા ઢોર રાખવાના ત્રણ વાડા દૂર કરાયા હતા. આ પ્લોટમાં રહેઠાણના રપ કાચા મકાનો તેમજ સાત દુકાનો અને ગોડાઉન પણ ઊભા કરી દેવાયા હતા. એસ્ટેટ વિભાગની ટીમે અમલવારી કરીને આ તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડી આશરે ૧૦,પ૦૦ ચોરસ મીટરના મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટનો કબજાે પરત મેળવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.