Western Times News

Gujarati News

ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ 300 થી વધુ લોકો બિમાર

પ્રતિકાત્મક

હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ પર જ સારવાર, દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવાઈ

મુંબઈ, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ ૩૦૦થી વધુ લોકો બીમાર પડ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ તુરંત એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેમને તુરંત હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ પર જ સારવાર કરવાની નોબત આવી છે. હાલ ત્યાં રોડ પર જ દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવી દર્દીઓની સારવાર ચાલી રહી છે.

બુલઢાણા જિલ્લાના કલેક્ટર કિરણ પાટીલે જણાવ્યું છે કે, જિલ્લાના લોનારના સોમથાન ગામમાં સાત દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં છેલ્લા દિવસે મહિલાઓ અને બાળકો સહિત ૩૦૦થી વધુ લોકોએ પ્રસાદ આરોગતા ફૂડ પાઈઝનિંગનો શિકાર બન્યા છે. હોસ્પિટલમાં બેડની અછત હોવાથી ઘણા દર્દીઓની રોડ પર સારવાર કરવામાં આવી છે અને ઝાડ પર દોરડા બાંધી ગ્લુકોઝની બોટલ લટકાવીને સારવાર અપાતી હોવાની તસવીરો સામે આવી છે.

મળતા અહેવાલો મુજબ ગઈકાલે રાત્રે ૧૦ કલાકે સોમથાના અને ખાપરખેડ ગામના શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રસાદ લેવા આવ્યા હતા. પ્રસાદ આરોગ્યા બાદ તેમને પેટમાં દુઃખાવો, ઉબકા-ઉલટીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને તુરંત ગામમાં આવેલી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ત્યાં બેડની અછતના કારણે મોટાભાગના દર્દીઓની રોડ પર સારવાર કરવાની નોબત આવી હતી.

જિલ્લા કલેક્ટરે કહ્યું કે, તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તેમાંથી મોટાભાગના દર્દીઓને બુધવારે જ રજા આપી દેવાઈ છે. ઘટનાસ્થળે તાત્કાલીક સારવારની જરૂરીયાત ઉભી થવાના કારણે ડૉક્ટરની એક ટીમને એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી સાધનો સાથે મોકલી દેવાયા છે. પ્રસાદના નમૂના તપાસ અર્થે લેબોરેટરી મોકલાયા છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.