રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૩૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ

સરદાર સરોવર ડેમ ૫૬ ટકાથી વધુ ભરાયો –ગત વર્ષે આ સમયે ૩૭.૩૫ ટકા સામે આ વર્ષે ૪૫.૪૯ ટકા જળાશયો ભરાયા
19 જળાશયો સંપૂર્ણ છલકાયા જયારે 32 જળાશયો ૭૦ ટકાથી વધુ નીરની આવક
ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. ૦૬ જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૮૩ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે ૩૭.૩૫ ટકા સામે આ વર્ષે ૪૫.૪૯ ટકા જળાશયો ભરાયા છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૬.૬૨ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. ૩૨ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૫૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે.
રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા ૧૯ જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, મુંજીયાસર, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ, જુનાગઢનું હસનપુર, મોટા ગુજેરીયા, ઉબેન, કચ્છનું ગજાનસર, કાલાગોગા કંકાવટિ અને ડોન, રાજકોટનું મોજ, સોદવદર, તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે જે હાલ હાઈ એલર્ટ પર છે.
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયો ૪૯.૩૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો ૨૯.૯૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૫.૧૬ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૫૦.૯૩ ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-૧૪૧ જળાશયોમાં ૪૯.૫૭ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક ૫૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૯,૩૨૩ કયુસેક તથા ઐજત-વિઅર (વંથલી) અને વણાકબોરીમાં દૈનિક ૩૦૦૦થી વધુ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.