ટ્રકમાં બનાવેલા ચોર ખાનામાંથી ૭ લાખથી વધુનો દારૂ ઝડપાયો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર – વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાના માંથી ૭ લાખથી વધુના દારૂ મળી ૧૧.૦૯ લાખનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સહીત બે ઈસમોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન બાતમી મળી હતી કે વાલિયા તરફથી બંધ બોડીનો ટ્રક નંબર એમએચ ૦૪ એફયુ ૮૭૦૧માં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર બાજુ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે અંકલેશ્વર – વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા જુના ખાલી કેરેટ નજરે પડ્યા હતા પોલીસે બારીકાઈથી તપાસ કરતા ટ્રકના છત પાસે બનાવેલ ચોર ખાનું મળી આવ્યું હતું.જેમાં જાેતા તેમાંથી વિદેશી દારૂની ૪૮૮૪ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ૭ લાખનો દારૂ અને ચાર લાખની ટ્રક મળી કુલ ૧૧.૦૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહારાષ્ટ્રના થાણેના પેન્કરપાડા ખાતે રહેતો ટ્રક ચાલક દીપકસિંગ ચન્દ્રસિંગ શોન અને કરણ સંજય યાદવને ઝડપી પાડ્યો હતો.જયારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.