Western Times News

Gujarati News

Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

સમગ્ર ગુજરાતમાં ૩૫૦ જેટલા Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં યોજાશે, જેમાં ગુજરાતનો યુવાન સરકાર સમક્ષ પોતાની વાત મૂકી શકશે: મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો. Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. More than 700 students participated in Y20 Gujarat Samvad program

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમ હું આપ સૌની સમક્ષ એક મંત્રી તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે ઉપસ્થિત થયો છું. આ કાર્યક્રમ મારા એકલાને બોલવાનો નથી પરંતુ મારા યુવાન મિત્રોને બોલવાનો અને તેઓને સાંભળવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ યુવાનોને પ્રશ્નો કર્યા હતા. જેમાં યુવાનોના દૃષ્ટિકોણ પ્રમાણે દેશમાં કઈ કઈ બાબતે વિકાસ સાધવાની જરૂર છે, જેમ કે., રોજગારી, ટેકનોલોજી, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્ર, ધંધાકીય ક્ષેત્રે રોકાણક્ષેત્રે, કમ્યૂનિકેશન સ્કિલ જેવા વિવિધ વિષયો પર પ્રશ્નો કરી વિદ્યાર્થી યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો.

મંત્રીશ્રીએ યુવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જણાવ્યું હતું કે, Y20 ગુજરાત સંવાદ આજથી સમગ્ર રાજ્યમાં આરંભાયો છે. આગામી દિવસોમાં ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પણ આવા કાર્યક્રમો થશે, જેમાં ગુજરાતના દરેક યુવાન પોતાની ભાગીદારી નોંધાવે અને દેશના વિકાસમાં પોતાના વિચાર સરકાર સમક્ષ રજૂ કરે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં Y20 ગુજરાત સંવાદની ૩૫૦ જેટલી બેઠકો એટલે કે કાર્યક્રમો યોજાશે. જેથી આ પ્રકારના માધ્યમ થકી યુવાનોને સરકારને સીધો પ્રશ્ન કરી સમસ્યાનું સમાધાન માટે તક પ્રાપ્ત થઈ છે, અને આ પ્રકારની કામગીરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના કારણે જ આપણે સૌને જોવા મળે છે જેનો ગર્વ થાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વિદ્યાર્થી યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આપ સૌ શિક્ષણની સાથે સાથે પોતાની અંદર રહેલ કૌશલ્યનો પણ વિકાસ કરો જેથી આપ જીવનમાં ક્યાંય નિષ્ફળ નહીં થાઓ, હંમેશા સફળ જ થશો અને સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બનશો, તેમ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે તમારી સૌની સાથે વાર્તાલાપ કરતા તમારા મનમાં રહેલ બાબતો જે દેશમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેનો ખ્યાલ આવ્યો અને આજે ખૂબ જ ગર્વ અનુભવાય છે કે ગુજરાતના યુવાન દેશના વિકાસ માટે મોડેલ સ્વરૂપ બની રહેશે. આપ સૌ સ્ટાર્ટઅપ, ઇનોવેશન, રમતગમત કે કોઈપણ ક્ષેત્રમાં જેમાં આપ સૌ ઇચ્છો એમાં આગળ વધો, ગુજરાત સરકાર હરહંમેશ આપના વિકાસ માટે કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કો-ઓર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે, ગુજરાત યુવા મોરચા પ્રદેશના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને ફિલ્મ- લેખક શ્રી ચેતનભાઇ ધાનાણી સાથે જ વિવિધ શાખાના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  -મિતેશ સોલંકી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.