રાજ્યમાં 7700થી વધુ ખેડૂતોએ સોલાર પંપનો ઉપયોગ શરૂ કરીને વીજળીની બચત કરી
પીએમ કુસુમ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી
પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને ₹218 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે જેમાં અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે.
ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં 12382 સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્શન આપવામાં આવ્યું છે.
જુનાગઢના ભેંસાણ તાલુકાના હડમતિયા(ખાખરા) ગામે રહેતા લાભાર્થી વિજયાબેન વી આસોદરિયા જણાવે છે કે આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી અમે પંપ ચલાવીએ છીએ અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ રહેતો નથી અને ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.
સૌથી વધારે લાભાર્થી નર્મદા જિલ્લામાં
આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. સોલાર પંપની સંખ્યાની દૃષ્ટિએ ટોપ ટેન જિલ્લામાં નર્મદા બાદ વલસાડ 460થી વધુ, બનાસકાંઠા 450થી વધુ, ડાંગ 320થી વધુ, મહિસાગર 260થી વધુ, ગીર સોમનાથ 220થી વધુ, છોટાઉદેપુર 180થી વધુ, તાપી 160થી વધુ, કચ્છ 130થી વધુ અને નવસારી 100થી વધુનો સમાવેશ થાય છે.